ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉદ્યોગપતિ રાહુલ બજાજની ફાઇલ ઇમેજ (PTI Photo)

ઉદારીકરણ પહેલાના ભારતમાં મધ્યમવર્ગની મહત્ત્વકાંક્ષાનું પ્રતિક બનેલા ‘હમારા બજાજ’નું જિંગલ ઘર-ઘર પ્રચલિત થયું હતું અને આ બ્રાન્ડ પાછળનું ભેજુ દેશના અગ્રણી અને નિડર ઉદ્યોગપતિ રાહુલ બજાજ હતા.

એક આખા બોલા ઉદ્યોગપતિ તરીકે પણ જાણીતા થયેલા રાહુલ બજાજે પરમીટ રાજમાં ટુ વ્હિલર્સ અને થ્રી વ્હિલર્સને બ્રાન્ડને પ્રચલિત કરી હતી. સામાન્ય રીતે ઉદ્યોગપતિઓ સંવેદનશીલ પર મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવાનું ટાળતા હોય છે, પરંતુ રાહુલ બજાજ સરકાર નારાજ થઈ જાય તેવી ટીપ્પણી કરતાં પણ ડરતા ન હતા. પોતાના પુત્ર સાથેના મતભેદને પણ જાહેરમાં વ્યક્ત કરતા હતા. નવેમ્બર 2019માં મુંબઈના એક કાર્યક્રમમાં તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલની હાજરીમાં મોદી સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે અમારા મનમાં ભયનું વાતાવરણ છે. તમે સારુ કામ કરી રહ્યા છે, પરંતુ તમે ટીકાને આવકારશો તેવો અમને વિશ્વાસ નથી.

રાહુલ બજાજના દાદા જમના લાલ બજાજે 1926માં બજાજ ગ્રૂપની સ્થાપના કરી હતી. તેમનો જન્મ 30 જૂન 1938ના રોજ કોલકતામાં થયો હતો. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા બજાજે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી મેળવી હતી. રાહુલ બજાજ તેમના પિતા કમલનયની બજાજ ટીમમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે પ્રારંભ કર્યો હતો અને 30 વર્ષની ઉંમરે 1968માં સીઇઓ બન્યાં હતા. તેમના નેતૃત્વ હેઠળ બજાજ ગ્રૂપે ઇન્શ્યોરન્સ, કન્ઝુમર ફાઇનાન્સ, હોમ એપ્લાયન્સિસ, વિન્ડ એનર્જી, સ્ટીલ અને ટ્રાવેલ સહિતના ક્ષેત્રમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો. આ પછી 2008માં તેમણે બજાજ ઓટોનું ત્રણ કંપનીમાં વિભાજન કર્યું હતું, જેમાં બજાજ ઓટો, બજાજ ફિનસર્વ અને એક હોલ્ડિંગ કંપનીનો સમાવેશ થાય છે.