(Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીના નિવેદન બાદ કોર્ટે આ કેસની સુનાવણી હવે 12 જુલાઈ સુધી મોકૂફ રાખી હતી.

દરેક ચોરની અટક ‘મોદી’ કેમ હોય છે તેવા કથિત નિવેદન બાદ સુરતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ક્રિમિનલ ડિફેમેશન કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી પોતાનું અંતિમ નિવેદન આપવા માટે સુરત આવ્યા હતા.

રાહુલ ગાંધીએ કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપી હતી. સુનાવણીમાં મોટા ભાગના પ્રશ્નોમાં રાહુલ ગાંધીએ મને ખબર નથી..મને ખબર નથી..એવા એક જ જવાબ આપ્યા હતા. સુરતના મુખ્ય મેજિસ્ટ્રેટ એ.એન.દવેએ એક અઠવાડિયા પહેલા રાહુલ ગાંધીને આદેશ આપ્યો હતો કે તેઓ 24 જૂનના રોજ કોર્ટમાં હાજર રહે.

કોર્ટમાં હાજર થતાં પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, અસ્તિત્વનો સંપૂર્ણ ભેદ જ કોઈ પણ પ્રકારના ભયનું ના હોવું છે. આ પહેલા ઓક્ટોબર 2019માં રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં દાખલ થયા હતા ત્યારે પોતાને નિર્દોષ જણાવ્યા હતા. પૂર્ણેશ મોદીએ એપ્રિલ 2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ આઈપીસીની કમલ 499 અને 500 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ અનુસાર, 2019માં એક રેલીના સંબોધનમાં રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી જેના કારણે સમગ્ર મોદી સમાજનું અપમાન થયુ હતું.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ, 2019ના રોજ એક રેલીમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યુ હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી…આ તમામના નામમાં મોદી લાગેલું છે. તમામ ચોરોનાં નામમાં મોદી કેમ હોય છે? નોંધનીય છે કે તેમણે જ્યારે આ ટિપ્પણી કરી હતી ત્યારે તે કોંગ્રેસ અધ્યક્ષ હતા.

રાહુલ ગાંધી સામે કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો હતો. ચૂંટણીની સભામાં અમારા પર આક્ષેપ કર્યા હતા, જેથી અમારી અને સમાજની લાગણી દુભાતાં કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અમે અંતિમ શ્વાસ સુધી લડશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.