જામનગરમાં સોમવાર, 13 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા અને લોકોને હોડીમાં બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. (PTI Photo)

સૌરાષ્ટ્રના 12 સપ્ટેમ્બરની રાત્રીથી 13 સપ્ટેમ્બર સુધી ભારે 3થી 30 ઇંચ સુધીના અભૂતપૂર્વ વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને 7,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજ્યના નવા મુખ્યપ્રધાનને રાહત અને બચાવને આદેશ આપ્યા હતા. જામનગર જિલ્લામાં પાણીમાં ફસાયેલા 64 લોકોને અરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સાંબેલાધાર વરસાદને કારણે નીચાવાણા અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સૌરાષ્ટ્રની તમામ નદીઓ, નાળા અને ડેમ છલકાયા હતા. એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લગાડવામાં આવી હતી. રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાને કારણે ઓછામાં ઓછા છ વ્યક્તિના મોત થયા હતા, જ્યારે 12 વાહનો પાણીમાં તણાઈ ગયા હતા.

વરસાદને પગલે ૧૫ સ્ટેટ હાઇવે, ૧ નેશનલ હાઇવે અને પંચાયત હસ્તકના ૧૩૦ એમ કુલ ૧૪૬ માર્ગ વાહનવ્યવાહર માટે બંધ થયા હતા. મુખ્યત્વે જામનગર-રાજકોટ જિલ્લાના માર્ગના વાહનવ્યવહારને અસર થઇ હતી. હવામાન વિભાગે હજુ આગામી ૩ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
જામનગર-શહેરના તાલુકાઓમાં જુદા-જુદા ૮ ગામોમાં ૬૪ વ્યક્તિઓને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. અન્ય ૪૮ વ્યક્તિઓને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા. રાજકોટ જિલ્લામાં ૨૫૫૩, જામનગર જિલ્લામાં ૩૯૬૬, પોરબંદર જિલ્લામાં ૨૨૪, જુનાગઢ જિલ્લામાં પાંચ એમ કુલ ૬૭૪૮ લોકોનું સ્થળાંતર કરાયું હતું.
રાજકોટ જિલ્લાના લોધિકામાં ૫૧૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં ૪૬૮ મી.મી. એટલે કે ૧૯ ઈંચ જેટલો, કાલાવડમાં ૪૦૬ મી.મી. એટલે કે ૧૬ ઈંચ જેટલો અને રાજકોટમાં ૩૨૫ મી.મી. એટલે કે ૧૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જામનગરમાં 64 નાગરિકોને એરલિફ્ટ કરાયા

જામનગર જિલ્લામાં 12 સપ્ટેમ્બરની રાત્રીથી ચાલુ થયેલા અનારાધાર વરસાદને કારણે જળપ્રલય જેવી સર્જાઈ હતી. કાલાવડમાં રવિવારથી સોમવાર સાંજ સુધીમાં 24 કલાકમાં જ 25 ઇંચ વરસાદ ખાબકયો હતો.અનેક ગામો ટાપુ બન્યા હતા. રાહત અને બચાવ માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતી. બાંગા ગામમાં 64 વ્યક્તિને એરલિફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત મોડા ગામના ફસાયેલા 14 વ્યક્તિને એરલિફ્ટ કરાયા હતા.

સૌરાષ્ટ્રના  ડેમ છલકાયા

સિંચાઇ વિભાગના રાજકોટ સર્કલના જણાવ્યા અનુસાર ભાદર ડેમ, આજી-1, આજી-3, ન્યારી ડેમ-2 અને ચાપરવાડી ડેમમાં મોટાપ્રમાણમાં જળપ્રવાહ આવ્યો હતો અને તેનાથી નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમમાં જળપ્રવાહ વધી રહ્યો હોવાથી નજીકમાં ન જવાની સલાહ અપાઈ હતી. જામકંડોરણા પાસે ફોફળ નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા હતા. ભાદર ડેમમાં 5 ફૂટ બાકી છે.

રાજકોટ 13 ઇંચથી પૂર જેવી સ્થિતિ

રાજકોટમાં મેઘરાજાએ રૌદ્ધ સ્વરૂપ દર્શાવ્યું હતું. 13 ઇંચથી વધુ વરસાદમાં આખું શહેર જળબંબાકાર બની ગયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતા. રાજકોટની આજી નદી ગાંડીતૂર બનતાં આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા હતા.

જૂનાગઢમાં 14 ઈંચ વરસાદ-વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો

જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં 2થી 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 15 ઇંચ વરસાદ વરસી ગયો હોવાના અહેવાલ હતા. ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં હતા અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્‍તારો-રસ્‍તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો.

રાજ્યમાં ભાદરવો ભરપૂર

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા હતા. ચાલુ સિઝનમાં 13 સપ્ટેમ્બર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૨૪ ટકા નોંધાયો હતો. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૦.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૧.૧૪ ટકા, કચ્છ ઝોનમાં ૭૦.૩૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૭.૬૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૫.૧૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો હતો.

ધરોઈ ડેમની જળ સપાટીમાં 2 ફૂટનો વધારો

ઉપરવાસમાં સરેરાશ 4 થી 11 ઇંચ જેટલો વરસાદને કારણે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઇ ડેમમાં બે દિવસમાં જળસપાટીમાં 2 ફૂટનો વધારો થયો હતો અને ડેમની જળ સપાટી 600 ફૂટને પાર કરી ચુકી હતી. ધરોઈ જળાશય યોજના ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ગામડાઓ અને નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સિંચાઇના સિંચાઈના પાણીની જરૂરિયાત પૂરી કરે છે.