વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં શિયાળા વચ્ચે શુક્રવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જુનાગઢ જેવાં શહેરોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગુરુવારે પણ રાજ્યના વિવિધ વરસાદમાં વરસાદ આવ્યો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શિયાળાના આરંભે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. એમાં પણ સૌરાષ્ટ્ર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગુરુવારની રાતથી જ ઝરમર, પરંતુ એકધારો વરસાદ ચાલુ થઈ ગયો હતો. આને લીધે મહત્તમ તાપમાન આઠ ડીગ્રી જેટલું ઘટીને 22 ડીગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી ઘટીને 16 ડીગ્રી સેલ્સિયસે પહોંચી ગયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ શનિવાર, 12 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આવો વરસાદી માહોલ જારી રહેશે. આ કારણે સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર, મધ્ય ગુજરાતના વડોદરા-ભરૂચ અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો હતો. શહેરના એસજી હાઇવે, સેટેલાઇટ, નહેરૂનગર, નારાણપુરા, વાડજ, એલીસબ્રીજ, કાલુપુર નરોડા, વટવા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા.

આ વરસાદને કારણે વાતાવારણમાં શીત લહેર પ્રસરી હતી. અચાનાક વાતાવરણમાં પલ્ટો અને કાળા ડિબાંગ વાદળો ઘેરાતા કારતક મહિનામાં અષાઢી મહિનાનો માહોલ સર્જાયો હતો. લોકો છત્રી અને રેઇન કોટ સાથે પણ જોવા મળ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં માવઠું વરસ્યું હતું, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો હતો.

જ્યારે બીજી તરફ ગ્રામ્ય જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શુક્રવારે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. વિરમગામ શહેર સહિત ભોજવા, ધાકડી, કાલીયાણા સહિત ગામોમાં છુટો છવાયો વરસાદ થયો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના કપાસ એરંડા, તુવેર, ચણા, જીરુ ઘઉં સહિત પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતી સર્જાઈ હતી.