istockphoto

રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાના નાનાભાઇ તથા પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે અવસાન થયું છે. કોરોના સંક્રમિત થયેલા ભરતભાઇને સુરેન્દ્રનગર ખાતેથી રાજકોટ ખાતે લઇ જવામાં આવી રહ્યા હતા એ દરમિયાન રસ્તામાં ઓક્સિજન ખૂટી જતા તેમનું અવસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

તેઓ ઇન્ટરનેશનલ કાર રેલીમાં ભાગ લેનારા પ્રથમ ભારતીય હતા. વર્ષ ૨૦૧૯માં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે ૨૯ દિવસમાં ૨૯ રાજ્ય અને ૨૯ પાટનગરની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ પણ સર્જયો હતો. ભારત સરકારના એકલવ્ય પુરસ્કારથી સન્માનિત થઇ ચૂકેલા ભરત દવે પાંચવાર રાષ્ટ્રીય અને બે વાર આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ચેમ્પિયન બનવાનો વિક્રમ ધરાવે છે.

મૂળ સુરેન્દ્રનગરના બેંકર સ્વ રતિભાઇ દવેના પુત્ર એવા ભરત દવે હિમાલયના કાર રેલિસ્ટ તરીકે વિખ્યાત હતા. તેઓ રોજ ૭૦૦ કિલોમીટરનો પ્રવાસ કરતા હતા. તેઓએ ૧૯૮૫થી ૧૯૯૦ દરમિયાન ૬ કાર રેલીમાં ભાગ લીધો હતો. જ્યારે ૧૯૯૦થી ૨૦૦૮ દરમિયાન તેમણે કેન્યામાં ત્રણ અને ન્યૂઝિલેન્ડ તેમજ પોર્ટુગલમાં ૧-૧ મળીને કુલ પાંચ આંતરરાષ્ટ્રીય રેલીમાં ભાગ લીધો હતો.