રાજકોટની કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં ભીષણ આગ બાદ ફાયર ફાયટર્સે રાહત અને બચાવની કામગીરી ચાલું કરી હતી. આ દુર્ઘટનામાં છ વ્યક્તિના મોત થયા હતા. (PTI Photo)

ગુજરાતના રાજકોટમાં ગુરુવારની મધરાતે ઉદય શિવાનંદ ગોકુલ યુનિટ એક કોવિડ હોસ્પિટલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. હજુ અન્ય ત્રણની હાલત ગંભીર મનાય છે. દર્દીઓના સંબંધીઓ ભારે વિલાપ કરી રહ્યા હતા અને હોસ્પિટલ સંચાલકો તેમજ પ્રશાસન સામે રોષ ફેલાઈ ગયો હતો. હોસ્પિટલના કુલ 33 દર્દી હતા, જેમાંથી 11 આઇસીયુ હતા અને 22 જનરલ વોર્ડમાં હતા. આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું માનવામાં આવે છે.

રાજકોટના આનંદ બંગલા ચોક સ્થિત ઉદય કોવિડ હોસ્પિટલમાં આગની જીવલેણ દુર્ઘટના રાતે 12:30 વાગ્યા આસપાસ બની હતી. હોસ્પિટલના પ્રથમ માળે આઇ.સી.યુ.માં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગને લઈને ભારે અફડાતફડી મચી જવા પામી હતી. કોરોના સારવાર માટે દાખલ દર્દીઓને પણ આઇસોલેશનની ચિંતા રાખ્યા વિના બહાર કાઢી લેવા પડ્યાં હતાં અને વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગની

દુર્ઘટનામાં મૃત્યું થયેલા વ્યક્તિઓમાં જસદણના રામસિંહ ભાઇ મોતીભાઈ લોહ (ઉંમર-62 વર્ષ), મોરબીના નીતિનભાઇ મણીલાલ બદાણી (ઉંમર-61 વર્ષ), ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રવાત (ઉંમર-69 વર્ષ), , રાજકોટના સંજય અમૃતલાલ રાઠોડ(ઉંમર-57 વર્ષ), રાજકોટના કેશુભાઇ લાલજીભાઈ અકબરી (ઉંમર-50 વર્ષ)નો સમાવેશ થાય છે.

ફાયર બ્રિગેડ ટૂકડી અને પોલીસ તથા મહાપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. એક કલાકમાં આગ તો કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ એ દરમિયાન કેટલાક દર્દીઓ આગની લપેટમાં આવી ગયા હતા

જો કે, વટીવટીતંત્રએ એવો બચાવ કર્યો છે કે હોસ્પિટલમાં અગ્નિ શમનના સાધનો હતા જ તેમજ તેનો ઉપયોગ પણ કરાયું જ હતો પરંતુ આગ ફેલાઈ ગઈ હતી. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યું પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને જવાબદારી સોંપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી હતી.