બ્રિટનના નાણાપ્રધાન રિશી સુનકે ગુરુવારે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે, આશા છે કે યુરોપિયન યુનિયન સાથે બેક્ઝિટ ડીલ થઈ શકે તેમ છે અને આ સમજૂતીનું સ્વરૂપ સ્પષ્ટ છે.

યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના અલગ પડવાને હવે માત્ર પાંચ સપ્તાહ બાકી રહ્યા છે અને બંને પક્ષો વેપાર સમજૂતી માટે પ્રયાસ કરી રહ્યાં છે. સુનકે જણાવ્યું હતું કે ઘણું કામ થઈ રહ્યું છે. મને લાગે છે કે તમામ મોરચે રચનાત્મક અભિગમ અને સદભાવના સાથે આપણે સમજૂતી કરી શકીએ છીએ. સમજૂતીનું સ્વરૂપ કેવું હોવું જોઇએ તે સ્પષ્ટ છે.

સુનકે જણાવ્યું હતું કે અમે મહદઅંશે એવી માગણી કરી રહ્યા છીએ કે જે યુરોપિયન યુનિયને બીજા દેશો સાથે સમજૂતી મુજબ મંજુરી કરેલી છે. ટીમ્સ સારી કામગીરી કરી રહી છે.

યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને ગુરુવારે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ મંત્રણામાં સારી પ્રગતિ થઈ છે, પરંતુ નવા ડીલ વિના પણ બ્રિટન અલગ પડે તેવી શક્યતા માટે યુરોપિયન યુનિયન તૈયાર છે.

બ્રેક્ઝિટ ડીલ માટે મંત્રણા કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે સમજૂતી શક્ય છે, પરંતુ સપ્તાહના અંત પહેલા ન થાય તેવી શક્યતા છે. યુરોપના ડિપ્લોમેટે જણાવ્યું હતું કે સમજૂતી આગામી સપ્તાહે થવાની ધારણા છે.