(PTI Photo/Sportzpics for IPL)(

દુબઈમાં સોમવારે હૈદરાબાદને લાંબા સમય પછી ફરી વિજયનો સ્વાદ ચાખવા મળ્યો. રાજસ્થાને 165 રન કરવાનો પડકાર ફેંક્યો હતો, પણ હૈદરાબાદના બેટર્સે દોઢ ઓવર બાકી હતી ત્યારે જ ફક્ત ત્રણ વિકેટના ભોગે 167 રન કરી વિજય મેળવ્યો હતો.

વોર્નરના સ્થાને હૈદરાબાદે જેસન રોયને તક આપી હતી અને તેણે સારી બેટિંગ સાથે ઓપનિંગની સારી ભાગીદારી પણ કરી હતી. રોયે 42 બોલમાં 60 રન કર્યા હતા. તેના ઉપરાંત સુકાની કેન વિલિયમસને 41 બોલમાં અણનમ 51 કરી બીજો મહત્ત્વના ફાળો આપ્યો હતો અને ટીમને વિજેતા બનાવી હતી. આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી વિકેટ સસ્તામાં ગુમાવ્યા પછી સુકાની સંજુ સેમસન બેટિંગમાં આવ્યો હતો અને લાંબો સમય ટકી રહ્યા પછી, 57 બોલમાં 82 રન કરી તે છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. ઓપનર જયસ્વાલે 36 તથા લોમરોરે અણનમ 29નો અન્ય મહત્ત્વનો સ્કોર કર્યો હતો. છેલ્લી ત્રણ-ચાર ઓવર્સમાં હૈદરાબાદના બોલર્સે રાજસ્થાનના બેટ્સમેનને ઘણા નિયંત્રણમાં રાખ્યા હતા.

હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કૌલે બે તથા ભૂવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને રશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી, તો રાજસ્થાન તરફથી ચેતન સાકરીઆ, મહિપાલ લોમરોર અને મુસ્તફિઝુર રહેમાને એક-એક વિકેટ લીધી હતી. સંજુ સેમસને છ બોલર અજમાવ્યા હતા.

જેસન રોયને તેની મહત્ત્વની ઈનિંગ બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. જો કે, આ વિજય છતાં હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલમાં હજી છેક તળિયે જ છે, તો ચોથાથી સાતમા ક્રમે રહેલી ચાર ટીમ એક સરખી સંખ્યામાં મેચ રમ્યા પછી ચારેય 8 પોઈન્ટ સાથે ખૂબજ તીવ્ર સ્પર્ધામાં છે, તેની સામે હૈદરાબાદ માટે હવે કપરા ચઢાણ છે.
ચેન્નાઈ અને દિલ્હી 16-16 પોઈન્ટ સાથે પહેલા અને બીજા ક્રમે છે, તો કોહલીની આગેવાની હેઠળની દિલ્હી 12 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.