પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં રવિવારે રક્ષાબંધનનની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાઇડુ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના નેતાએ ભાઇ બહેનના પ્રેમના આ પવિત્ર તહેવારો દેશવાસીઓને શુભકામના આપી હતી.

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન નિવાસસ્થાને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની સેવા માટે બહેનોના આશિર્વાદ પ્રાપ્ત થતાં હું ધન્યતા અનુભવું છું.

તેમણે જણાવ્યું હતું કે ભાઈ-બહેનના પવિત્ર સંબંધના આ પર્વએ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેની રક્ષા અને પ્રગતિની કામના કરે છે. શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેના નેતૃત્વમાં મોટી સંખ્યામાં બહેનો મુખ્યપ્રધાનના નિવાસસ્થાને રાખડી બાંધવા પહોંચી હતી. આ પ્રસંગે રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યપ્રધાન તરીકેના શાસનકાળમાં ભારતીય તહેવારોની જન સહયોગથી ઉજવણીની પરંપરાનો શુભારંભ કર્યો હતો, જે આજે પણ જારી છે.

રક્ષાબંધનના તહેવાર પર રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપતા કર્મચારીઓનો રક્ષાબંધન પર્વ પર સાતમાં પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સની જાહેરાત કરવામાં આવી હતી.