પૂજ્ય ભાઈશ્રી રમેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ, સંસ્કૃતિ ફાઉન્ડેશન યુકે દ્વારા સમર્થિત, પોરબંદરનું સંદિપની વિદ્યાનીકેતન, ભારતમાં વ્યાપેલા કોવિડ રોગચાળા દરમિયાન ક્રાયોજેનિક ટેન્કની સ્થાપના, ફ્લો મીટર અને હ્યુમિડિફાયર્સ (રેગ્યુલેટર્સ) તથા ઓક્સિજન કન્સેન્ટ્રેટર સહિત વિવિધ રાહત કામગીરીના પ્રયાસોને અનેક રીતે સમર્થન આપી રહ્યું છે.  આ રાહત કમાગીરી માટે એકલા યુકેમાંથી, મે 2021 સુધીમાં દાતાઓ અને શુભેચ્છકો પાસેથી £60,000 એકત્ર કરાયા છે અને કોઇપણ એડમિન અથવા ઓવરહેડ ખર્ચ વગર પૂરેપૂરી રકમ સાંદિપની મોકલવામાં આવી છે.

પ્રવાહી ઓક્સિજનનો સંગ્રહ કરતી 20,000 લિટરની ક્ષમતાવાળી મોબાઇલ ક્રાયોજેનિક ટેન્ક પોરબંદરની સરકાર સંચાલિત અને મફત તબીબી સારવાર આપતી ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. જેને વેપોરાઇઝર સાથે જોડીને ગેસમાં રૂપાંતરિત કરી તાંબાની પાઇપ દ્વારા હોસ્પિટલના 250 બેડ સુધી લઇ જવાશે. આ ટેન્ક હોસ્પિટલની ભવિષ્યમાં કાયમી સુવિધા બની સેંકડો દર્દીઓના જીવન બચાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટની કુલ કિંમત આશરે £82, 000 (યુએસ $116, 000) છે.

ક્રાયોજેનિક ટેન્ક કામગીરી શરૂ કરે તે પહેલા સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા જરૂરિયાતમંદ લોકોને 600 ફ્લો મીટર અને હ્યુમિડિફાયર્સ (રેગ્યુલેટર્સ) અને 40 ઓક્સિજન કન્સેન્ટ્રેટર યુનિટ્સ ખરીદીને આપવામાં સક્ષમ બન્યું છે. આગામી દિવસોમાં વધુ યુનિટની ખરીદી કરવામાં આવશે.

આ ઉપરાંત, સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા એક પખવાડિયા સુધી ચાર સભ્યોના પરિવારને ચાલે તેવી અનાજ-કરિયાણાની 20 કિલોની ફૂડ કીટનું વિતરણ 2500 જરૂરરતમંદ પરિવારોને કરવામાં આવ્યું છે. આ અઠવાડિયે આવી વધુ 1,000 કીટ તૈયાર કરવામાં આવી રહી છે જે સેવા કોવિડ-19ના મોજાનો અંત નહિં આવે ત્યાં સુધી ચાલુ રહેશે. યુવાન ઋષિકુમારો અને સેવકોના સૈન્ય દ્વારા શાળામાં અને શ્રી હરિ મંદિરમાં કીટ તૈયાર કરવામાં આવે છે.

પૂજ્ય ભાઇ શ્રી આ તમામ રાહત પ્રયાસોની વ્યક્તિગત દેખરેખ રાખે છે અને આ સેવા પ્રોજેક્ટ્સને પ્રોફેશનલ રીતે કાળજીપૂર્વક હાથ ધરવામાં આવે છે જેથી મહત્તમ લોકોના જીવન બચાવી શકાય.

પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું છે કે “હાલની પરિસ્થિતિ યુદ્ધ જેવી છે, અને આપણે બધાએ ડર્યા વિના અને આશા કે હિંમત ગુમાવ્યા વિના લડવું પડશે અને આપણે જે રીતે કરી શકીએ તે રીતે ભાગ લેવો પડશે. આપણે સકારાત્મક ઉર્જા બનાવવી પડશે અને ભગવાનનું પવિત્ર નામ લઇને આપણી પાસે ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ દવાનો ઉપયોગ કરવો પડશે.”

વધુ માહિતી માટે સંપર્ક: છગનભાઇ ડાભી 07801 803 555.