લેસ્ટરના 37 વર્ષના સંકેતકુમાર પટેલ અને લંડનના 46 વર્ષના ચિરાગ પટેલે સમરસેટના બાથ ખાતે પ્રાયોર પાર્ક કોલેજમાં કોર્સીસ ચલાવતા હોવાનું જણાવી અસ્તિત્વમાં ન હોય તેવા અભ્યાસક્રમો પર મોટી સંખ્યામાં વિદ્યર્થીઓની નોંધણી કરી હજારો પાઉન્ડની છેતરપીંડી કરતાં તેમને મની લોન્ડરિંગના ગુના બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને સસ્પેન્ડ સજા કરવામાં આવી હતી. આ જોડીએ નકલી બિઝનેસ કોર્સ માટે વિદેશી નાગરિકો પાસેથી £6,500 સુધીનો ચાર્જ વસુલ કર્યો હતો.

જ્યારે એક વિદ્યાર્થી બાથની વાસ્તવિક કોલેજ જોવા માટે ત્યાં ગયો ત્યારે તેણે જે કોર્સમાં £5,500 ભરી પ્રવેશ મેળવ્યો હતો તે કોર્સ અસ્તીત્વમાં જ ન હતો તેમ બહાર આવ્યું હતું. યુકેના વિઝા મેળવી અભ્યાસ કરવા આવેલા કેટલાક વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પ્રાયર પાર્ક કૉલેજે 2015માં જાણ કરતા તપાસ શરૂ થઈ હતી.

વિદ્યાર્થીઓએ ચૂકવેલા કેટલાક નાણાં આ બંને અપરાધીઓ દ્વારા સંચાલિત બેંક ખાતાઓમાં શોધી કાઢવામાં આવ્યાં હતાં. આ ગુનાની રકમ શરૂઆતમાં લેસ્ટરના એડનહોલ ક્લોઝના સંકેતકુમાર પટેલના ખાતામાં ટ્રાન્સફર કરાતા પહેલા બોગસ નામે ખોલાવવામાં આવેલા ખાતાઓમાં જમા કરાઇ હતી. તે લંડનમાં બે ઑફિસો સાથે મની ટ્રાન્સફર બિઝનેસ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. તેને કુલ £13,000ના મની લોન્ડરીંગના બે ગુના માટે દોષીત ઠેરવી 21 માસની બે વર્ષ માટે સસ્પેન્ડ જેલ કરવામાં આવી હતી.

વેલપ્રિંગ ક્રેસન્ટ, વેમ્બલીના ચિરાગ પટેલે કુલ £47,000ના મની લોન્ડરીંગના આઠ ગુનાઓ માટે દોષીત ઠેરવી દરેક ગુના બદલ બે વર્ષની જેલની સજા ફટકારી હતી, જેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. જજે તેને 120 કલાકનું કોમ્યુનીટી વર્ક કરવાનો અને £2,000 ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ચિરાગે વિદેશી નાગરિકોને યુ.કે.ના સરે, સસેક્સ અને વેલ્સના કેર હોમ્સમાં કામ કરવા માટેની નકલી જોબ એડવર્ટ્સ છપાવીને પૈસા મેળવ્યા હતા. આ ગુના તેમણે લાઇસન્સ પર હતા ત્યારે કર્યા હતા.

બાથ એન્ડ નોર્થ ઇસ્ટ સમરસેટ કાઉન્સિલ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સે પોલીસ અને એચએમ રેવન્યુ અને કસ્ટમ્સ સાથે મળીને આ કેસને કોર્ટમાં લાવી હતી.