(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ઘણા સમયથી હિન્દી ફિલ્મોમાંથી ગાયબ રહેલી રવિના ટંડને તાજેતરમાં કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેણે વેક્સિનેશન માટે આગળ નહીં વધનારા લોકોના એટિટયૂડ સામે વાંધો ઉઠાવ્યો છે. કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી બચવાનો અને તેનાથી સુરક્ષિત રહેવાનો એકમાત્ર ઉપાય વેક્સિનેશન જ છે, તેવું તે માને છે. હવે તો ૧૮ વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સિન આપવાનું સરકારે શરૂ કર્યું છે, જે મોટી રાહત આપે એવી બાબત છે.

તે કહે છે કે ‘ઘણાં લોકોના મનમાં એવી ગેરસમજ છે કે જો તમે વેક્સિન લઈ લો અથવા કોરોનાની પકડમાંથી બહાર પણ આવી જાવ તો ચિંતા કરવાની જરૂરી નથી. હકીકતમાં, ઘણા લોકો બેદરકાર છે. તેઓ એવું વિચારે છે કે ‘હવે અમે વેક્સિન લઈ લીધી છે ત્યારે ચિંતા કરવાની શી જરૂર છે?’ આ ખોટું છે. તમને હજુય કોરોના થઈ શકે છે, માંદગી ફરી ઉથલો મારી શકે છે. વેક્સિનેશન અત્યંત મહત્ત્વનું છે. એ આપણું રક્ષણ કરે છે, પણ સાથે આપણે એ વાઈરસના કેરિયર્સ પણ હોઇ શકીએ છીએ. તમે કોરોના સામે ૧૦૦ ટકા સામર્થ્ય ધરાવો છો, એવી ગેરન્ટી વેક્સિન નથી આપતી, પણ એ તમને કોરોના સામે રક્ષણ આપે છે.’

રવિના ટંડન કહે છે, મહારાષ્ટ્રમાં પ્રતિબંધો લદાયા એ પહેલાં મેં મારી તમામ વ્યાવસાયિક જવાબદારી પૂરી કરી લીધી છે. ડબિંગ અને એના જેવી કેટલીક બાબતો હતી, એ પણ પૂરી થઈ ગઈ છે. હું એક એવોર્ડ સમારોહમાં ભાગ લેવા ગોવા જવાની હતી, પણ પછી મેં એ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું, હાલના તબક્કે આ ઘણું જોખમી છે. સાથે જ તેણે સોશિયલ મીડિયા પર બનાવટી ન્યૂઝના પ્રસારથી દૂર રહી તેની જાણ પોલીસને કરવાની હાકલ પણ કરી હતી.  તેણે જણાવ્યું હતું કે, આપણે જે કંઈ પણ શ્રેષ્ઠ કરી શકીએ એ માટે પ્રયત્ન કરવાની અને સારા નાગરિક તરીકેની આપણી જે નૈતિક ફરજ છે એ આપણે અત્યારે અદા કરવાની છે.’