રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તેની પાસેની 99,122 કરોડ (13.58 બિલિયન ડોલર)ની રકમ કેન્દ્ર સરકારને આપશે. શુક્રવારે રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે રિઝર્વ બેન્કે સરકારને રૂ.57,128 કરોડની સરપ્લસ રકમ ટ્રાન્સફર કરી હતી. તેનાથી અગાઉના વર્ષે રૂ.1.76 ટ્રિલિયનની વિક્રમજનક રકમ સરકારને આપી હતી.

આ રકમ જુલાઈ 2020 થી માર્ચ 2021 વચ્ચેની રિઝર્વ બેન્કની સરપ્લસ એમાઉન્ટ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કની કમાણીનો મુખ્ય હિસ્સો સરકારી બોન્ડ, ગોલ્ડમાં કરેલુ રોકાણ તથા વિદેશી માર્કેટમાં વિદેશી મુદ્રાના તથા બોન્ડના ટ્રેડિંગમાંથી આવતો હોય છે.

રિઝર્વ બેન્ક પાસે આ વખતે રેકોર્ડ સરપ્લસ હતુ. કારણકે રિઝર્વ બેન્ક ગયા વર્ષે ગોલ્ડ અને વિદેશી માર્કેટમાં એક્ટિવ હતી. બેન્કને ડોલરના વેચાણમાંથી મોટો નફો થયો હતો. ઉપરાંત રેકોર્ડ સંખ્યામાં બોન્ડનું પણ ટ્રેડિંગ કર્યુ હતું. તેમાંથી રિઝર્વ બેન્કને નફો થયો છે. રિઝર્વ બેન્કે પોતાની આવક પર કોઈ પ્રકારનો ઈનકમ ટેક્સ ચુકવવો પડતો નથી. એટલે પોતાની જરુરિયાતો પૂરી કરવા સિવાય અને જરુરી રોકાણ તેમજ બીજી નાણકીય સગવડ બાદ જે વધારાની રકમ બચે છે તે સરપ્લસ ફંડ તરીકે ઓળખાય છે. આ રકમ તેણે સરકારને આપવાની હોય છે.