REUTERS/ Angelika Warmuth

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના માહોલ અને મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક બજારોમાં રેકોર્ડ તેજીને પગલે ભારતમાં ચાંદીના ભાવ ગુરુવાર, 29 જાન્યુઆરીએ 6 ટકા ઉછળીને કિલોદીઠ પ્રથમ વખત રૂ.4 લાખને પાર કરી ગયા હતાં, જ્યારે સોનાનો ભાવ પણ 10 ગ્રામ દીઠ રૂ.1.8 લાખના સર્વકાલીન ઊંચા સ્તરે પહોંચ્યાં હતાં.

સતત પાંચમા દિવસે તેજી આગળ વધતાં માર્ચ ડિલિવરી માટે ચાંદીના વાયદાના ભાવ રૂ. ૨૪,૪૩૪ અથવા ૬.૩૪ ટકા ઉછળી કિલોગ્રામ દીઠ રૂ.૪,૦૯,૮૦૦ના રેકોર્ડ સ્તરે પહોંચ્યાં હતાં. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં ચાંદીના વાયદાના ભાવમાં કિગ્રા દીઠ રૂ.91,308 અથવા લગભગ 29 ટકાનો અસાધારણ ઉછાળો આવ્યો છે. 21 જાન્યુઆરીએ ચાંદીના ભાવ કિગ્રા દીઠ રૂ.3,18,492ના સ્તરે બંધ આવ્યાં હતાં.

માત્ર આઠ ટ્રેડિંગ સેશનમાં સફેદ ધાતુ રૂ.૩ લાખથી વધીને રૂ.૪ લાખ થઈ ગઈ છે. આ વર્ષે ચાંદીમાં 74 ટકાનું આશ્ચર્યજનક વળતર મળ્યું છે.

સોનાના વાયદાના ભાવમાં પણ આવી જ તેજી જોવા મળી હતી. ફેબ્રુઆરી ડિલિવરીમાં માટેના સોનાના ભાવ રૂ.14,864 અથવા આશરે 9 ટકા ઉછળીને 10 ગ્રામ દીઠ રૂ.1,80,779ના રેકોર્ડ સ્તરે પહોંચ્યાં હતાં. પીળી કિંમતી ધાતુનો એપ્રિલનો કોન્ટ્રેક્ટ રૂ.15,943 અથવા 9 ટકા ઉછળીને 10 ગ્રામ દીઠ રૂ.1,93,096 થયો હતો.
ઓગમોન્ટના રિસર્ચ હેડ રેનિશા ચૈનાનીએ જણાવ્યું હતું કે “સોનાના ભાવમાં 5,600 ડોલર (10 ગ્રામ દીઠ રૂ.1,80,000)થી અને ચાંદીનો પ્રતિ કિલો રૂ. 4,00,000નો ભાવ ટૂંકાગાળાના સટ્ટાકીય કામકાદની જગ્યાએ ભૂ-રાજકીય જોખમ દર્શાવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઉછાળો વધુ આશ્ચર્યજનક હતો. કોમેક્સમાં ગોલ્ડ ફ્યુચર પ્રથમ વખત પ્રતિ ઔંસ 5,600 ડોલરના મહત્વપૂર્ણ સ્તરને વટાવી ગયો હતો. ઇન્ટ્રા-ડે એપ્રિલ ડિલિવરી માટેનો વાયદાનો ભાવ 286.6 ડોલર અથવા 5.4 ટકા ઉછળીને ઔંશ દીઠ 5,626.8 ડોલર થયો હતો. કોમેક્સમાં ચાંદીના વાયદાના ભાવ પણ પ્રથમ વખત ઓંશ દીઠ 120 ડોલરને વટાવી ગયા હતાં. માર્ચ ડિલિવરી માટેના વાયદાના ભાવ 6.03 ડોલર અથવા 6.2 ટકા વધીને ઔંશ દીઠ રૂ.120.56 ડોલર થયાં હતાં.

LEAVE A REPLY