REUTERS/Francis Mascarenhas/File Photo

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કિશોર બિયાનીની આગેવાની હેઠળના ફ્યુચર ગ્રૂપ સાથેના રૂ.24,713 કરોડના સોદોને આખરે રદ કર્યો છે. ફ્યુચર ગ્રૂપની લેણદાર બેન્કો અને નાણાસંસ્થાઓએ સોદાની વિરુદ્ધમાં મતદાન કર્યા બાદ રિલાયન્સે શનિવારે આ જાહેરાત કરી હતી. રિલાયન્સ આશરે 21 મહિના પહેલા ફ્યુચર ગ્રૂપના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ ખરીદવાની સોદો કર્યો હતો પરંતુ તેમાં એમેઝોન સાથે પણ લાંબો કાનૂની વિવાદ થયો હતો અને તેમાં અનેક અણધાર્યા વળાંક આવ્યા હતા.

નિયમનકારી માહિતીમાં રિલાયન્સે જણાવ્યું હતું કે આ સોદામાં સામેલ ફ્યુચર ગ્રૂપની કંપનીઓ ફ્યુચર રિટેલ લિમિટેડ (એફઆરએલ) અને બીજી લિસ્ટેડ કંપનીઓએ આ સોદા અંગે સંબંધિત શેરહોલ્ડર્સ અને લેણદારોના મતદાનના રિઝલ્ટની માહિતી આપી છે. ફ્યુચર રિટેલના સિક્યોર્ડ લેણદારોએ આ સોદાની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. તેનાથી આ સોદાનો અમલ કરી શકાય નહીં.

ફ્યુચર ગ્રૂપના રિટેલ એન્ડ હોલસેલ બિઝનેસ તથા લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ બિઝનેસને રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને રિલાયન્સ રિટેલ એન્ડ ફેશનમાં ટ્રાન્સફર કરવાની યોજના હતી.
રિલાયન્સ સાથેના સોદાની મંજૂરી માટે ફ્યુચર ગ્રૂપની કંપનીઓ તેમના શેરહોલ્ડર્સ, સિક્યોર્ડ લેણદારો અને અનસિક્યોર્ડ લેણદારોની આ સપ્તાહે બેઠકો બોલાવી હતી. જોકે ફ્યુચર રિટેલ, ફ્યુચર એન્ટરપ્રાઇઝ, ફ્યુચર લાઇફસ્ટાઇન, ફ્યુચર માર્કેટ નેટવર્ક અને ફ્યુચર કન્ઝુમરના સિક્યોર્ડ લેણદારો નિયમ મુજબ 75 ટકા મંજૂરી આપી ન હતી.
જોકે આ લિસ્ટેડ કંપનીઓના શેરહોલ્ડર્સે આ સોદાને સમર્થન આપ્યું હતું. આ બેઠકોનો અને રિલાયન્સ સાથેના સોદાનો અમેરિકાની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોનને વિરોધ કર્યો હતો. એમેઝોનને ફ્યુચર રિટેલની પ્રમોટર કંપની ફ્યુચર કુપન્સ (એફસીપીએલ)નો અગાઉ રૂ.1,500 કરોડમાં 49 ટકા હિસ્સો ખરીદેલો છે.

ઓગસ્ટ 2020માં ફ્યુચર ગ્રૂપે તેની રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષેત્રની 19 કંપનીઓ રૂ.24,713 કરોડમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સને વેચવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ રિલાયન્સ ગ્રૂપની તમામ રિટેલ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે.