રિલાયન્સ જિયોની જેમ રિલાયન્સ રિટેલ પણ વિદેશી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મુકેશ અંબાણીના આ રિટેલ બિઝનેસમાં રોકાણના બે સપ્તાહમાં બે મોટો ડીલ થયા છે. વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ કંપની KKRએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ બિઝનેસમાં 5,500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરશે. અગાઉ પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટર્નસે રિલાયન્સ રિટેલનો 1.75 ટકા હિસ્સો ખરીદવા માટે 7,500 કરોડ રૂપિયાની રોકાણની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણી તેમના રિટેલ બિઝનેસનું વિસ્તરણ કરીને ભારતમાં એમેઝોનને ટક્કર આપવાની યોજના બનાવી રહ્યા છે ત્યારે આ બે મોટા સોદા થયા છે.

KKRના આ સોદામાં રિલાયન્સ રિટેલનું મૂલ્ય આશરે 4.1 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. બે સપ્તાહમાં બે સોદા મારફત મુકેશ અંબાણીએ તેમના રિટેલ એકમ માટે અત્યાર સુધી 13,050 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. KKRએ આ વર્ષના પ્રારંભમાં જિયો પ્લેટફોર્મમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

રિલાયન્સ તેના રિટેલ બિઝનેસના હિસ્સાના વેચાણ મારફત વિદેશી રોકાણકારો પાસેથી 60,000થી 63,000 કરોડ એકત્ર કરવા માગે છે અને તે વ્યૂહાત્મક રોકાણકાર પણ આવશે. સાઉદી અરેબિયાની પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ કંપની, અબુ ધાબી સ્થિત મુબાદલા, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કેકેઆર કંપનીનો હિસ્સો ખરીદે તેવી શક્યતા છે.