વિશ્વમાં કેરીના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતે આલ્ફાન્સો અને કેસર સિવાયની બીજી વેરાઇટીની પણ નિકાસ કરવાની યોજના બનાવી છે. વિશ્વભરમાં પથરાયેલા ડાયસ્પોરો અને વિદેશી લોકોની ઊંચી માગને પગલે ભારત લંગડા, દશેરી, હિમસાગર, ઝરદાલુ જેવી વેરાઇટીની નિકાસ કરે તેવી શક્યતા છે. અમેરિકામાં પણ આ વર્ષે નિકાસ ફરી ચાલુ થવાની ધારણા છે.

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલમેન્ટ ઓથોરિટી (અપેડા)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમે આ વર્ષે લંગડા, દશેરી, હિમસાગર અને ઝરદાલુ જેવી વેરાઇટીની નિકાસ કરવા માગીએ છીએ. હાલમાં ભારત ખાસ કરીને આલ્ફોન્સો અને કેસરની નિકાસ કરે છે, પરંતુ વિદેશમાંથી બીજી વેરાઇટીની કેરીની પણ ઊંચી માગ છે. તેથી જો યોજના પાર પડશે તો બંગાળની હિમસાગરનો સ્વાદ સાઉથ કોરિયાના અને ઝરદાલુનો સ્વાદ મોરિશિયસના લોકો માણી શકશે.

ભારત સામાન્ય રીતે યુએઇ, યુરોપ અને નેપાળમાં કેરીની નિકાસ કરે છે, પરંતુ આ વર્ષે જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને મોરિશિયસના બજારો પર ધ્યાનમાં છે. ભારત વિશ્વમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે, પરંતુ મેક્સિકો અને પાકિસ્તાન પણ નિકાસ માર્કેટમાં ઊંચો હિસ્સો ધરાવે છે.

નોર્થ ઇન્ડિયાની વેરાઇટીમાં સુગર કન્ટેન્ટ વધુ હોય છે, તેથી તેની નિકાસ નીચી રહી છે. આ જાતની કેરીની ગુણવત્તા પણ સવાલ ઊભા થાય છે. ક્વોલિટીને કારણે અમેરિકાના બજારોમાં મુશ્કેલ ઊભી થાય છે.
ગયા વર્ષે ભારતની કેરી નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં નીચી રહી હતી. 2019-20માં 56 મિલિયન ડોલરની નિકાસ સામે ગયા વર્ષે 28.3 મિલિયન ડોલરની નિકાસ થઈ હતી. જોકે કોરોના સંબંધિત લોકડાઉનને કારણે નિકાસને અસર થઈ હતી.