ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ 2024-25ના નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં આશરે 25 ટકા સોનાની ખરીદી કરીને તેના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો હતો. ભારતની સેન્ટ્રલ બેન્ક પાસે ગોલ્ડ રિઝર્વ વધીને હવે 879.59 ટકા થઈ હતી, જે સપ્ટેમ્બર 2024ના અંતે 854.73 ટન હતી.

વિદેશી હૂંડિયામણ અનામતના સંચાલન પરના અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ સમગ્ર નાણાકીય વર્ષમાં સેન્ટ્રલ બેંકે તેના સોનાના ભંડારમાં 57 ટનથી વધુ સોનું ઉમેર્યું હતું. આ સમયગાળા દરમિયાન કિંમતી ધાતુના ભાવમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો. છેલ્લા સાત વર્ષમાં આ સૌથી મોટો વાર્ષિક ઉમેરો છે. સ્થાનિક સ્તરે સંગ્રહિત કિંમતી સોનાનું પ્રમાણ નજીવું વધીને 511.99 ટન થયું હતું. આ ઉપરાંત 348.62 ટન સોનાનો જથ્થો બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે સુરક્ષિત કસ્ટડીમાં છે અને 18.98 ટન સોનાના થાપણોના રૂપમાં રાખવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025ના પહેલા ભાગમાં RBIએ વિદેશમાંથી સ્થાનિક તિજોરીઓમાં મોટી માત્રામાં સોનું ખસેડ્યું હતું. 30 સપ્ટેમ્બર સુધીમાં સ્થાનિક તિજોરીઓમાં સંગ્રહિત કિંમતી ધાતુનો કુલ જથ્થો 510.46 ટન હતો, જે 31 માર્ચ, 2024ના રોજ 408 ટનથી વધુ હતો.વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવના સમયે રિઝર્વ બેન્ક વિદેશી વોલ્ટ્સમાંથી સોનાના જથ્થાને ભારતમાં ખસેડી રહી છે.

LEAVE A REPLY