(Getty Images)

વિશ્વભરની ફક્ત 13 ટકા વસતીનું પ્રતિનિધિત્વ કરતા અમીર દેશોના એક જૂથે ભવિષ્યમાં આવનાર કોરોના વાઇરસની રસીના 50 ટકાથી વધુ જથ્થો ખરીદી લીધો છે. બિનસરકારી સંગઠન- ઓક્સફામના એક રીપોર્ટમાં આ મુજબનો દાવો કરાયો છે. એનાલિટિક્સ કંપની એરફિનિટી દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાના આધારે ઓક્સફામ દ્વારા અત્યારે પરીક્ષણના અંતિમ તબક્કામાંથી પસાર થઇ રહેલી રસી ઉત્પાદક પાંચ કંપનીઝ-ફાર્માસ્યુટિકલ્સ અને ખરીદનાર દેશો વચ્ચે થયેલ કરારનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ રીપોર્ટ પછી ઓક્સફામ અમેરિકાના રોબર્ટ સિલ્વરમેને જણાવ્યું હતું કે, જીવન રક્ષક રસીની ઉપલબ્ધતા એ વાત પર નિર્ભર ન હોવી જોઇએ કે તમે ક્યાં રહો છો અથવા તમારી પાસે કેટલા નાણાં છે. તેમણે જણાવ્યું હતું કે, એક સુરક્ષિત અને અસરકારક રસીના વિકાસ તથા સમર્થન મહત્ત્વનું છે, પરંતુ સાથે એ પણ મહત્ત્વનું છે કે રસી તમામ માટે ઉપલબ્ધ હોય અને વાજબી કિંમતે પ્રાપ્ય હોય કારણ કે, કોવિડ-19 કોઇ એક જગ્યાએ નહીં પરંતુ આખા વિશ્વમાં છે. જે પાંચ રસીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમાં, એસ્ટ્રાઝેનેકા, ગામાલેયા-સ્પુટનિક, મોર્ડેના, ફાઇઝર અને સિનોવેકનો સમાવેશ થાય છે.

ઓક્સફામ દ્વારા આ પાંચ રસી ઉત્પાદકોની કુલ સંયુક્ત ઉત્પાદન ક્ષમતા 5.9 બિલિયન ડોઝ ગણી છે. જે 3 બિલિયન લોકો માટે પર્યાપ્ત છે, કારણકે પ્રતિ વ્યક્તિ રસીના બે ડોઝ આપવાની સંભાવના છે. સપ્લાયર્સ કંપનીઓએ 5.3 બિલિયન રસીના ડોઝ માટે કરાર કર્યા છે. જેમાંથી 2.7 બિલિયન (51 ટકા) ડોઝનો કરાર ફક્ત વિક્સિત અને સમૃદ્ધ દેશોએ કર્યા છે, જેમાં વિશ્વના માત્ર 13 ટકા લોકો વસે છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ અને મકાઉ, જાપાન, સ્વિત્ઝર્લેન્ડ અને ઇઝરાયેલનો સમાવેશ થાય છે.