(/Getty Images)

અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં પ્રચારમાં વ્યસ્ત ડોનાલ્ડ ટ્રમ્પે જાણતા કે અજાણતા એક મોટી ભૂલ કરી છે. તેમણે પોતાના રાજકીય હરિફ જો બિડેનને ભીંસમાં લેવા માટે જે વીડિયો રજૂ કર્યો છે, તે નકલી નીકળ્યો છે. ટ્વીટ કરાયેલો આ વીડિયો ટ્વીટરે પણ નકલી દર્શાવ્યો છે. વીડિયોની સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે, બિડેન પોલીસ એડિમિનિસ્ટ્રેશન વિરુદ્ધ છે અને તેમના આવવાથી દેશમાં હિંસાને ઉત્તેજન મળશે.

વીડિયો ટ્વીટર પર મુકી ટ્રમ્પે લખ્યું હતું કે, ચીન તેનાથી ખુશ છે. તેને તો તેના પર વિશ્વાસ પણ નથી થઇ રહ્યો. આ એડિટ કરાયેલા વીડિયોમાં જો બિડેનને પણ દેખાડવામાં આવ્યા છે. તેઓ ખિસ્સામાંથી ફોન કાઢીને માઇક સામે રાખી પ્લેનું બટન દબાવતા હતા. વીડિયોમાં દેખાય છે કે તેઓ પોલીસ વિરુદ્ધનું ગીત વગાડે છે, જે હકીકતમાં છે જ નહીં. ટ્વીટરે આ વીડિયો તો દૂર નથી કર્યો પણ તેની નીચે લખ્યું છે કે, ‘મેનીપ્યુલેટેડ વીડિયો’. નીચે કોમેન્ટમાં લોકોએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ખૂબ જ ટ્રોલ કર્યા છે. અત્યારે ટ્વીટરે પણ આ વીડિયો નકલી હોવાનું માની લીધું છે. બિડેનનો તે વખતનો જે અસલી વીડિયો છે તેમાં તેઓ પોલીસ વિરુદ્ધ બોલનાર કોઇ ગીત નહીં પરંતુ જાણીતું ગીત ડેસ્પાસિટો વગાડે છે.