ઋષિ કપૂર-નીતુ સિંઘની પુત્રી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સહાની બોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. તે લગ્ન કરીને દિલ્હીમાં સ્થાયી થઇ છે, જોકે, રિદ્ધિમા કપૂર પરિવારના પ્રસંગો કે બોલીવૂડની પાર્ટીમાં જોવા મળે છે.
રણબીર અને નીતુ કપૂર સાથે રિદ્ધિમાના ફોટોગ્રાફ્સ પણ અવાર-નવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી જાણીતા કપૂર પરિવારની દીકરી હોવા છતાં તેણે બોલીવૂડથી અંતર રાખવાનું પસંદ કર્યું હતું. લગ્નના બે દાયકા પછી રિદ્ધિમા પણ કપૂર પરિવારની કરીના-કરીશ્માની જેમ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તે પોતાની પ્રથમ ફિલ્મમાં કપિલ શર્મા સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કપિલ શર્મા એક કોમેડી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે અને તેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ફિલ્મ માટે કપિલ શર્માએ વજન પણ ઘણું ઘટાડ્યું છે. આ ફિલ્મનું ડાયરેક્શન આશિષ મોહન કરશે અને તેનું શૂટિંગ ચંદીગઢમાં શરૂ થશે. રિદ્ધિમા કપૂરે અગાઉ કરણ જોહરની સિરીઝ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલીવૂડ લાઈવ્ઝમાં અગાઉ કામ કરેલું છે.
રિદ્ધિમા પ્રથમવાર ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. રિદ્ધિમાના લગ્ન દિલ્હી ખાતેના ઉદ્યોગપતિ ભરત સહાની સાથે થયા છે. બે દાયકાના લગ્ન જીવન દરમિયાન ભરત સહાની ઘણીવાર કપૂર પરિવાર સાથે જોવા મળ્યા છે, પરંતુ તેઓ ફિલ્મી પાર્ટી અને લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. દિલ્હી ખાતે આલિશાન બંગલો ધરાવતા ભરત સહાની અને રિદ્ધિમાના લગ્ન જીવનને આદર્શ માનવામાં આવે છે.
આ ફિલ્મમાં નીતુ કપૂરનો પણ મહત્તવનો રોલ છે. ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી અને કપિલ શર્માએ હજુ તેની સત્તાવાર જાહેરાત કરી નથી. કપિલ શર્માને ટીવીના પડદા પર કોમેડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે. કપિલની કોમેડી ઓડિયન્સને ખૂબ પસંદ આવે છે, પરંતુ કપિલની ફિલ્મો ખાસ સફળતા મેળવી શકી નથી.
