રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

નવા કૃષિ કાયદાથી રિલાયન્સને લાભ થશે તેવી કેટલાંક લોકોની માન્યતા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે જણાવ્યું હતું કે કંપની ખેડૂતો પાસેથી અનાજની સીધી ખરીદી કરતી નથી કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો બિઝનેસ કરતી નથી
એક નિવેદનમાં બિલિયોનેર મુકેશ અંબાણીની કંપનીએ જણાવ્યું હતું કે તેની પેટાકંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમે પંજાબ એન્ડ હરિયાણા હાઇ કોર્ટમાં પિટિશન દાખલ કરીને કેટલાંક તોફાની તત્વો દ્વારા થતી તોડફોડ (ટેલિકોમ ટાવર)ને અટકાવવાની માગણી કરી છે.

રિલાયન્સને જણાવ્યું હતું કે તેને ત્રણ કૃષિ કાયદા સાથે કોઇ લેવાદેવા નથી અને કોઇપણ રીતે તેને લાભ થતો નથી. આ કાયદા સાથે રિલાયન્સનું નામ જોડવાનો ખોટો પ્રયાસ થઈ રહ્યો છે, જે બિઝનેસ અને પ્રતિષ્ઠા માટે નુકસાનકારક છે. કંપની કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી નથી તથા પંજાબ અને હરિયાણા અથવા દેશમાં કોઇપણ જગ્યાએ સીધી કે આડકતરી રીતે ખેતીની જમીન ખરીદી નથી. રિલાયન્સના રિટેલ સ્ટોર્સમાં વેચાતા અનાજ, શાકભાજી, કઠોળ અને અન્ય ચીજો રિલાયન્સ કદી ખેડૂતો પાસેથી સીધી ખરીદતી નથી. રોજિંદા વપરાશની તમામ ચીજો સ્વતંત્ર ઉત્પાદકો અને સપ્લાયર્સ તરફથી કંપનીને પૂરાં પાડવામાં આવે છે. કંપનીએ ક્યારેય ખેડૂતોનો ગેરલાભ લેવા માટે કોઇની સાથે કોઇ કરાર કર્યા નથી કે કરવાની નથી. અમે અમારા સપ્લાયર્સને પણ એવું કહ્યું નથી કે ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદીને અમને માલ આપો. રિલાયન્સ ખેડૂતોને ધરતીના તાત અને અન્નદાતા ગણે છે જે આ દેશના એક કરોડ ત્રીસ લાખ લોકોનાં પેટ ભરે છે. રિલાયન્સને ખેડૂતો માટે પૂરતો આદર અને માન છે.