પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીના સમયમાં રાજ્યમાં બર્ડ ફ્લૂનું જોખમ આવ્યું છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે 2 જાન્યુઆરીએ સંખ્યાબંધ મૃત પક્ષીઓ મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ પક્ષીઓનાં મૃત્યુ બર્ડ ફ્લૂથી થયાં છે કે નહીં એ ચકાસવા માટે 53 જેટલાં પક્ષી (ટિટોડી, નકટો, બગલી, બતક)ના મૃતદેહ કબજે કરીને પોસ્ટમાર્ટમ માટે મોકલી અપાયા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે રોગચાળાને પગલે આ પક્ષીઓનાં મૃત્યુ થયાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી. રાજ્યના વાઇલ્ડલાઇફ વિભાગે ભારત સરકારની એડવાઇઝરીને પગલે સમગ્ર રાજ્યમાં અલર્ટ જારી કર્યું હતું.

ભારતના ઓછામાં ઓછાં ત્રણ ચાર રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હવે હિમાચલ પ્રદેશમાં પણ બર્ડ ફ્લૂ જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં એક હજાર પક્ષીએા મરણ પામ્યાં હતાં. મરણ પામેલાં પક્ષીઓના સેમ્પલ ભોપાલની એક લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.

શનિવારે રાજસ્થાનમાં કોટા અને પાલી જિલ્લામાં 100થી વધુ કાગડા મરેલા મળી આવ્યા હતા. અત્યાર અગાઉ પણ ઝાલાવાડ જિલ્લામાં બર્ડ ફ્લૂની અસર હોવાના સમાચારને સમર્થન મળ્યું હતું. હવે બર્ડ ફ્લૂ રાજસ્થાનના પાંચ જિલ્લામાં ફેલાઇ ચૂક્યો હોવાના અહેવાલ હતા. શનિવારે બારાંમાં 19, ઝાલાવાડમાં 15 અને રામગંજ મંડીમાં 22 કાગડા મરણ પામેલાં મળી આવ્યા હતા. એ સાથે એકલા કોટા જિલ્લામાં અત્યાર સુધીમાં 177 કાગડા મરણ પામ્યા હતા.