(Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 30,સપ્ટેમ્બર 2020ના પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ ધોરણે નબળા પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.11,262 કરોડની તુલનાએ 15.06 ટકા ઘટીને રૂ.9567 કરોડ નોંધાવ્યો છે. જ્યારે કુલ આવક રૂ.1,56,539 કરોડની તુલનાએ 23.06 ટકા ઘટીને રૂ.1,20,444 કરોડ નોંધાવી છે.

જૂન 2020ના અંતના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ રૂ.13,233 કરોડનો ચોખ્ખો નફો અને રૂ.95,626 કરોડની કુલ આવક નોંધાવી હતી. રિલાયન્સ જિયો દ્વારા બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 12.9 ટકા વધીને રૂ.2844 કરોડ હાંસલ કરાયો છે, જ્યારે આવક રૂ.12,354 કરોડની તુલનાએ વધીને રૂ.17,481 કરોડ નોંધાવી છે.

આ સાથે રિલાયન્સ જિયો ચાઈના બહાર એક દેશના બજારમાં 40 કરોડથી વધુ સબસ્ક્રાઈબરોનો આંક પાર કરનાર પ્રથમ ટેલીકોમ ઓપરેટર બની છે. કંપનીમાં 30,000થી વધુ કર્મચારીઓનો ઉમેરો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બીજા ત્રિમાસિકમાં રિલાયન્સ રીટેલની કોન્સોલિડેટેડ આવક 30 ટકા વધીને રૂ.41,100 કરોડ અને ચોખ્ખો નફો 125.8 ટકા વધીને રૂ.973 કરોડ અને કેશ નફો 77.3 ટકા વધીને રૂ.1408 કરોડ થયા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ પરિણામ વિશે જણાવ્યું હતું કે, કંપનીએ એકંદર કામગીરી અને નાણાકીય રીતે પાછલા ત્રિમાસિકની તુલનાએ આ વખતે મજબૂત પરિણામ આપ્યા છે. પેટ્રોકેમિકલ્સ અને રીટેલ સેગ્મેન્ટમાં રિકવરી અને ડિજિટલ સર્વિસિઝ બિઝનેસમાં સતત વૃદ્વિએ આ કામગીરી મેળવી છે.