• સરવર આલમ દ્વારા

વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે સતત ત્રીજા વર્ષે 2024ના GG2 પાવર લિસ્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પાવર કપલ સુનક યુકેમાં તેમના વધતા પ્રભાવ માટે ઓળખાય છે. સુનક સત્તાના ટોચના પદ પર બિરાજે  છે તો અક્ષતા મૂર્તિ રાજદ્વારી સંબંધોમાં મહત્વનો ભાગ ભજવે છે. મૂર્તિએ ગયા અઠવાડિયે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીની પત્ની ઓલેનાનું યજમાનપદ સંભાળ્યું હતું.

1490088299

1713076771

મંગળવાર તા. 5ના રોજ સેન્ટ્રલ લંડનમાં એશિયન મીડિયા ગ્રુપ (AMG) દ્વારા પ્રકાશિત GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં 2024ના GG2 પાવર લિસ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

લંડનના મેયર તરીકે બે ટર્મથી બિરાજતા અને આગામી તા. 2 મેના રોજ યોજાનારી મેયરની ચૂંટણીમાં ત્રીજી ટર્મ માટે જીતવાની આશા ધરાવતા સાદિક ખાન યાદીમાં બીજા ક્રમે છે. તો કોર્ટ ઓફ અપીલ જજ સર રબિન્દર સિંઘ ત્રીજા સ્થાને રહ્યા છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ જિતેશ ગઢિયા અને ચેનલના સીઈઓ લીના નાયરે અનુક્રમે ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં ટોચના 10 વ્યક્તિઓમાં બિઝનેસ ટાયકૂન ગોપી હિન્દુજા અને પરિવાર; હાઇ કોર્ટના જજ ડેમ બોબી ચીમા ગ્રબ; ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય; બીબીસીના પ્રથમ બિનશ્વેત અધ્યક્ષ સમીર શાહ અને તાજેતરમાં નેશનલ થિયેટરના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયેલા ઇન્ધુ રૂબાસિંઘમનો સમાવેશ થાય છે.

GG2 પાવર લિસ્ટમાં દેશના રાજકારણ, બિઝનેસીસ, મનોરંજન, રમતગમત અને અન્ય ક્ષેત્રોના 101 સૌથી પ્રભાવશાળી સાઉથ એશિયન અગ્રણીઓનો સમાવેશ કરાય છે.

AMGના એક્ઝિક્યુટિવ એડિટર, શૈલેષ સોલંકીએ કહ્યું હતું કે “ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ સફળતાની ટોચ પર રહીને પ્રોવર્બીયલ ગ્લાસ સીલીંગના તૂટવાનું પ્રતિબિંબ પાડે છે. શ્રી સુનકે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેમણે ક્યારેય વડા પ્રધાન બનવાનું સપનું જોયું ન હતું કારણ કે તેમની પાસે ‘તેના જેવા રોલ મોડલ નથી’. તેમણે એકલા હાથે સાઉથ એશિયાની આવનારી પેઢીઓની આકાંક્ષાઓને બદલી નાખી છે. સુનક અને મૂર્તિએ બતાવ્યું છે કે રંગીન લોકો તમારા રંગ અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, સૌથી મુશ્કેલ ઉદ્યોગોમાં ટોચ પર પહોંચી શકે છે.”

શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે ‘’GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ અને GG2 પાવર લિસ્ટ બંનેએ બ્રિટનને તમામ સ્તરે સમાવેશી, વૈવિધ્યસભર અને ન્યાયી સમાજ બનાવવા માટે પ્રયત્નશીલ લોકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે. અમારા GG2 ડાયવર્સિટી એન્ડ લીડરશિપ એવોર્ડ્સ અને અમારા નવા ડાયવર્સિટી હબ પોર્ટલ સાથે, અમે કહેવા માંગીએ છીએ કે અમે તમારી પડખે છીએ અને વધુ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રયત્નશીલ છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે ‘’જાતિવાદ, ભેદભાવ અને અસમાનતાનો સામનો કરવા માટે મહિલાઓ જે કામ કરી રહી છે તેના પર પ્રકાશ પાડવો પણ મહત્વપૂર્ણ હતો. દર વર્ષે અમે પ્રેરણાદાયી મહિલાઓને નવી સફળતા મેળવવાનું જોવાનું ચાલુ રાખીએ છીએ અને અમે GG2 પાવર લિસ્ટમાં તેમની સિદ્ધિઓને પ્રકાશિત કરવા આતુર છીએ. જો કે, અમે બધા સારી રીતે જાણીએ છીએ કે હજુ પણ એવા અવરોધો છે જે મહિલાઓને તેમની ક્ષમતા પૂર્ણ કરવામાં અને કેટલાક વ્યવસાયોમાં શિખર સુધી પહોંચવામાં રોકે છે. એ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે કે તમામ બિઝનેસીસ, તમામ બોર્ડરૂમ અને તમામ વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ભૂમિકાઓમાં મહિલાઓનું સમાનરૂપે પ્રતિનિધિત્વ થાય.’’

સમગ્ર દેશમાંથી શાળાના બાળકો ડાઉનિંગ સ્ટ્રીટની મુલાકાત લેવા માટે બોલી લગાવે છે ત્યારે અક્ષતા મૂર્તિ નિયમિતપણે યુવા વિદ્યાર્થીઓનું યજમાન પદ સંભાળે છે કારણ કે તેઓ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને સામાન્ય બ્રિટિશરો માટે વધુ સુલભ બનાવવા માંગે છે.

પ્રકાશનના 14મા વર્ષમાં, GG2 પાવર લિસ્ટ સમગ્ર યુકેમાં સત્તા અને પ્રભાવની સ્થિતિમાં એશિયનો માટે ચોક્કસ માર્ગદર્શિકા બની ચૂક્યું છે.

મે મહિનામાં આવી રહેલી સ્થાનિક અને મેયરની ચૂંટણીઓ પહેલા, મેયર સાદિક ખાને GG2 પાવર લિસ્ટને કહ્યું હતું કે, “ત્રીજી ટર્મની જીત ઈતિહાસ બનાવવા માટે નહિં પણ આપણા ભવિષ્યને આકાર આપવા વિશે છે.”

તેમણે પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરની જીતની આગાહી કરી હતી. તાજેતરના સર્વેમાં લેબરને સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી કરતા ઘણા પોઈન્ટ્સથી આગળ મૂકવામાં આવ્યું છે.

ખાને કહ્યું હતું કે “હું લેબર વડા પ્રધાન સાથે કામ કરતા લેબર મેયરની તક વિશે ખરેખર ઉત્સાહિત છું. હું સ્ટાર્મરને લગભગ 30 વર્ષથી ઓળખું છું, અમે વકીલ તરીકે સાથે કામ કરતા હતા. તેઓ સંપૂર્ણ રીતે શિષ્ટ માણસ છે, તેઓ સમજે છે કે અમારા શ્રેષ્ઠ વર્ષો અમારી આગળ છે.”

હાઉસ ઓફ લોર્ડ્સમાં “નોન એફીલીએટેડ પીઅર” તરીકે બેસતા લોર્ડ ગઢિયા પોતાની ભૂમિકાને બિઝનેસની દુનિયા અને પાર્લામેન્ટ તેમજ યુકે અને ભારત વચ્ચેના “સેતુ” તરીકે કામ કરતા જુએ છે.

 

કિંગ ચાર્લ્સના હૃદયની નજીકની સખાવતી સંસ્થા બ્રિટિશ એશિયન ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફેબ્રુઆરી 2022થી સેવા આપતા લોર્ડ ગઢિયાએ GG2 પાવર લિસ્ટને કહ્યું હતું કે “રાજા સાઉથ એશિયાના તમામ દેશો સાથે ખૂબ જ સારી જોડાણ ધરાવે છે. શિક્ષણ અને બાળ સુરક્ષા એ મુખ્ય ક્ષેત્રો છે. તે ભારત પૂરતું મર્યાદિત નથી, જો કે તે આપણા માટે એક મોટું ક્ષેત્ર છે. અમે શિક્ષણના પરિણામોને સુધારવામાં મદદ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે પાકિસ્તાનના પ્રથમ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ બોન્ડને લોન્ચ કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ, જે ગ્રાઉન્ડબ્રેકિંગ છે. અમે બાંગ્લાદેશમાં એક મિલિયન ડોલરનું ક્લાઈમેટ ઈનોવેશન ફંડ શરૂ કર્યું છે અને તેની પાસે પહેલેથી જ લગભગ 170 અરજીઓ છે. અમે કેટલાક અવિશ્વસનીય વિચારોમાંથી પસાર થઈ રહ્યા છીએ.”

2022માં ફ્રેન્ચ લક્ઝરી ફેશન હાઉસ ચેનલના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ગ્રાઉન્ડ બ્રેકિંગ નિમણૂક પામનાર અને ભારતમાં જન્મેલા નાયરે ફાઉન્ડેશન ચેનલનું ભંડોળ વધારીને વાર્ષિક £78 મિલિયન કર્યું છે. જે મહિલાઓ અને છોકરીઓને તેમની કારકિર્દીને પરિપૂર્ણ કરવામાં મદદ કરે છે,

આ વર્ષના GG2 પાવર લિસ્ટમાં 32 મહિલાઓ છે, જેમાંથી ચાર ટોપ 10માં છે. સુનકના નજીકના સાથી અને સરે ઇસ્ટના સાંસદ તથા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એનર્જી, સીક્યુરીટી એન્ડ નેટ ઝીરો તરીકે સેવા આપતા અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઉભરતા સ્ટાર ક્લેર કોટિન્હો આ લીસ્ટમાં 11મા ક્રમે છે.

તેમણે કહ્યું હતું કે ‘’મારા માતા-પિતાએ મને અન્ય લોકોની સેવા કરવા પ્રેરણા આપી હતી. મોટી થયા બાદ મેં મારા માતા-પિતાને NHSમાં કામ કરતા, લોકોની સમસ્યાઓ સાંભળતા અને તેમને શક્ય તેટલો શ્રેષ્ઠ ઉકેલ લાવતા જોયા. તે ભાવના સાથે જ હું ઇસ્ટ સરેના લોકોની સેવા કરવાની આશા રાખું છું.”

આ યાદીમાં સમાવાયેલ અન્ય મહિલાઓમાં લેબર સાંસદ અને શેડો સેક્રેટરી સ્ટેટ ફોર જસ્ટિસ શબાના મહમૂદ (ક્રમ 20); એકેડેમિક અને બેંક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય ડૉ. સ્વાતિ ઢીંગરા (ક્રમ 22); પ્રુડેન્શિયલના અધ્યક્ષ બેરોનેસ શ્રીતિ વડેરા (ક્રમ 24); વેપાર અને વાણિજ્ય વિભાગના રાજ્ય મંત્રી નુસરત ગની (ક્રમ 27); કેપીએમજીના અધ્યક્ષ બીના મહેતા (ક્રમ 30) અને જજ અનુજા ધીર (ક્રમ 32)નો સમાવેશ થાય છે.

આ વર્ષે યાદીમાં પ્રવેશનાર અન્ય નવી મહિલાઓમાં રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સના અધ્યક્ષ પ્રોફેસર કમિલા હોથોર્ન (ક્રમ 39); ઓક્ષફામના CEO હલીમા બેગમ (ક્રમ 72); ડૉ. સાઉથ એશિયન ઇતિહાસના પ્રોફેસર અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજના ફેલો જોયા ચેટરજી (ક્રમ  74); નાટ્યકાર લોલિતા ચક્રવર્તી (ક્રમ 75); અને નેટફ્લિક્સની હીટ શ્રેણી વન ડેના સ્ટાર અંબિકા મોડ (ક્રમ 81)નો સમાવેશ થાય છે.

પોલિટીક્સથી લઇને પોલીસી ક્ષેત્રના નવા પ્રવેશ કરનારાઓમાં ડેપ્યુટી પ્રિન્સીપલ પ્રાઇવેટ સેક્રેટરી કુણાલ પટેલ (ક્રમ 35); લેબર પાર્ટીના પોલીસી ડાયરેક્ટર રવિન્દર અઠવાલ (ક્રમ 67) અને સુનકના વિશેષ સલાહકાર અમીત જોગિયાનો સમાવેશ થાય છે.

આ યાદીમાં ઉદ્યોગપતિઓ અને વ્યાપારી લોકોમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના રસી નિર્માતા અદાર પૂનાવાલા (ક્રમ 44); ઈન્ડારામાના એસપી લોહિયા અને તેમના પુત્ર અમિત (ક્રમ 50) અને રિજન્ટ કોલેજ, લંડનના સ્થાપક ડૉ. સેલવા અને દર્શિની પંકજ 73મા ક્રમે છે.

મંગળવારે યોજાયેલા કાર્યક્રમમાં GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ એનાયત કરાયા હતા, જે બ્રિટનના લઘુમતી વંશીય સમુદાયોની ટોચની પ્રતિભાનું સન્માન કરે છે.

GG2 લીડરશીપ અને ડાયવર્સિટી એવોર્ડ્સમાં 700થી વધુ લોકોએ હાજરી આપી હતી, જેમાં વિવિધતા, સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે કંપનીઓને પણ એવોર્ડ એનાયત કરાયા હતા.

GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સનું સંપૂર્ણ કવરેજ આવતા સપ્તાહના ગરવી ગુજરાત (માર્ચ 15)માં પ્રકાશિત કરવામાં આવશે.

2024 GG2 પાવર લિસ્ટની નકલ મેળવવા માટે, સૌરિન શાહનો 020 7928 1234 ઉપર સંપર્ક કરવા અથવા [email protected] ઉપર ઇમેઇલ કરવા વિનંતી.

LEAVE A REPLY

19 − twelve =