મોરગેજ, ફુગાવો અને ઇમિગ્રેશન બાબતે વધતા જનતાના અસંતોષ વચ્ચે વડા પ્રધાન ઋષિ સુનક પોતે આપેલા વચન મુજબ પોતાની પાંચ ટોચની પ્રાથમિકતાઓ હાંસલ કરવામાં હજુ સુધી સફળ રહ્યા ન હોવાના કારણે તેમની લોકપ્રિયતામાં તિવ્ર ધટાડો થયો છે. સુનકનું નેટ એપ્રુવલ રેટિંગ પાંચ પોઈન્ટ ઘટીને -16 થયું છે. જ્યારે તેમના હરીફ સર કેર સ્ટાર્મરનું રેટિંગ +7 પર છે. લેબર પક્ષ ઇમિગ્રેશન અને કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટી વચ્ચે 20 જુલાઈના રોજ આવી રહેલી ત્રણ પેટાચૂંટણીઓ પહેલા કન્ઝર્વેટીવ પર 18 પોઇન્ટની લીડ ધરાવે છે. જો કાલે મતદાન થાય તો લેબર 46 ટકા, કન્ઝર્વેટીવ 28 ટકા, લિબ ડેમ 11 ટકા, રીફોર્મ 5 ટકા, ગ્રીન 5 ટકા, SNP 3 ટકા અને અન્ય પક્ષો 2 ટકા મત મેળવે તેમ છે.

સત્તા સંભાળ્યા બાદ ગત 4 જાન્યુઆરીએ એક ભાષણમાં સુનકે વર્ષ 2023માં દેશ માટે પોતાની પાંચ ટોચની પ્રાથમિકતાઓ જાહેર કરી જણાવ્યું હતું કે “તમે મારી સરકારને પકડી રાખશો તો હું લક્ષ્યોને મેળવવા માટે જવાબદાર છું.” પણ કમનસીબે તેઓ આજે પણ ફુગાવો અડધો કરવો, અર્થતંત્રમાં સુધારો લાવવો, NHSના વેઇટીંગ લીસ્ટમાં સુધારો કરવો, દેવામાં ધટાડો કરવો અને ગેરકાયદેસર રીતે બોટમાં ઘુસી આવતા માઇગ્રન્ટ્સને રોકવાના વચનો સિધ્ધ કરવામાં જોઇએ તેવા સફળ થયા નથી.

શ્રી સુનકની કામગીરી વરિષ્ઠ સાંસદોની તપાસ હેઠળ આવતી હોવાથી તેમને કોસ્ટ ઓફ લાઇફ કટોકટી, પર્યાવરણ અને જાહેર સેવાઓની સ્થિતિ અંગે મંગળવાર તા. 4ના રોજ પ્રશ્નોનો સામનો કરવો પડશે. હાલ ગેસના ભાવો ઘટી રહ્યા છે પણ શિયાળામાં ગેસના ભાવ વધવાની ચેતવણી પણ ઉભી છે. તો લોર્ડ ઝેક ગોલ્ડસ્મિથે વડા પ્રધાનની કડક ટીકા સાથે ફોરેન ઓફિસ મિનિસ્ટર તરીકે રાજીનામું આપી સુનક ક્લાઇમેટ ચેન્જ માટે ‘રસહીન’ હોવાનો આરોપ મૂકતા સ્થિતી બગડી છે. આ ઉપરાંત સુનકને બોરીસ જૉન્સનના વફાદાર નેતાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારની ટોચની પ્રાથમિકતા 2023ના અંત સુધીમાં ફુગાવો અડધો કરવાની છે. સુનકે 10.7 ટકાના ફુગાવાને અડધો કરવાનું વચન આપ્યું હતું. ઘણા લોકોની અપેક્ષા હતી કે તેઓ તેમાં સફળ થશે. પરંતુ વ્યાજના દરોમાં થયેલા ધડાધડ વધારા પછી પણ આજે અપેક્ષા મુજબ ફુગાવો ઘટ્યો નથી અને હજુ ફુગાવો 8.7 ટકા છે. આમ તેમણે આપેલા વચન મુજબ ફુગાવાનો દર 5.3 ટકાના લક્ષ્ય સુધી પહોંચે તે માટે હજી લાંબી મજલ બાકી છે. વિશ્લેષકો પણ આ બાબતે વિભાજિત છે.

દેશના અર્થતંત્રમાં વૃદ્ધિ બાબતે ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે જો અર્થતંત્ર પાછલા ત્રણ મહિના કરતાં 2023ના ચોથા ક્વાર્ટરમાં મોટું હશે તો શ્રી સુનકની “અર્થતંત્રમાં વૃદ્ધિ” કરવાની પ્રતિજ્ઞા પૂર્ણ થશે. યુકેની અર્થવ્યવસ્થા સામાન્ય રીતે વધી રહી છે. પરંતુ તાજેતરમાં તેમાં બહુ વૃદ્ધિ જોવા મળી નથી. જીડીપી વધી છે પણ માત્ર 0.1 ટકાના દરે તે વધી છે અને યુકેની અર્થવ્યવસ્થા હજુ પણ રોગચાળા પહેલાની તુલનામાં નાની છે.

સુનકે દેવુ ઘટાડવાની જે પ્રતિજ્ઞા લીધી હતી તેમાં તેઓ સફળ થયા નથી. પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે 1961 પછી પ્રથમ વખત દેવું જીડીપીના 100 ટકાથી ઉપર છે અને તેમણે સત્તા સંભાળી તે પછી દેવુ વધ્યું છે. ફુગાવામાં ઘટાડો અને અર્થતંતત્રમાં વૃધ્ધી થતી ન હોવાના કારણે સુનક માટે જીડીપીના પ્રમાણમાં દેવું ઘટાડવું વધુ મુશ્કેલ બની જાય છે.

શ્રી સુનક માટે ઈંગ્લેન્ડમાં NHSનું વેઇટીંગ લીસ્ટ ઘટાડવાની પ્રતિજ્ઞાનું પાલન કરવું પણ મુશ્કેલ જણાઇ રહ્યું છે. ઈંગ્લેન્ડમાં સારવાર માટે રાહ જોઈ રહેલા દર્દીઓની એકંદર સંખ્યા હજુ પણ વધી રહી છે. માર્ચમાં જે આંકડો 7.33 મિલિયન એપોઇન્ટમેન્ટનો હતો તે વધીને એપ્રિલમાં 7.42 મિલિયન થઇ ગયો હતો અને જે રીતે ગ્રાફ વધી રહ્યો છે.

સુનકે નાની હોડીઓમાં આવતા ગેરકાયદેરના ઇમીગ્રન્ટ્સને રોકવાની આખરી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા રજૂ કરેલું ઇલીગલ માઇગ્રેશન બિલ હાઉસ ઓફ કોમન્સમાંથી પસાર થઈ ગયું છે અને હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં છે. પરંતુ 2022ની સરખામણીમાં બોટમાં આવતા ઇમીગ્રન્ટ્સના આગમનમાં કોઇ ફરક પડ્યો નથી. જો કે શ્રી સુનકે દાવો કર્યો છે કે તેમની યોજના “કામ કરવાનું શરૂ” કરી રહી છે.

વડા પ્રધાન ઋષિ સુનકના વ્યક્તિગત એપ્રુવલ રેટિંગમાં ઘટાડા પાછળનું મહત્વનું કારણ મોરગેજના વ્યાજના દરોમાં વધારો છે. સ્વતંત્ર રીતે કારભાર કરતી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે જૂનમાં વ્યાજ દરો વધારીને 5 ટકા કરતા મોટાભાગની બેન્કોએ 2 અને 5 વર્ષના મોરગેજ માટે વ્યાજનો દર 6 ટકા કે તેથી ઉપર કરી દીધો છે. તેને કારણે જેમના મોરગેજની ફીક્સ રેટની સમયમર્યાદા પૂરી થનાર છે તેવા ઘર માલીકોને 8થી 10 હજાર પાઉન્ડ પ્રતિવર્ષ વધારે ભરવાના થશે. જે બાબત લોકોનું જીવન હરામ કરી રહી છે.

હાલમાં ખાદ્ય ફુગાવો ઘટવા માંડ્યો છે અને તે જોતાં નજીકના  ભવિષ્યમાં ખાધાખોરાકીના ખર્ચા ઘટે તેમ લાગે છે. કેટલાક સુપરમાર્કેટ્સે પણ ગ્રોસરીના ભાવમાં ધટાડો કરવાનું શરૂ કર્યું છે. પરંતુ  તાજેતરના સત્તાવાર આંકડા દર્શાવે છે કે ખાદ્ય ફુગાવાનો દર 18.3 ટકાના ઉંચા સ્તરે રહ્યો છે. ગ્રોસરીના ઉંચા ભાવોને કારણે રેસ્ટોરન્ટ્સના બિલમાં વધારો થવાના કારણે લોકો ખાણીપીણી તરફથી મોઢુ ફેરવી રહ્યા છે. પબ, રેસ્ટોરાં અને કેટરિંગ ફર્મ્સના 150 ડિરેક્ટરો અને યુકેની 3,500 હોસ્પિટાલિટી ફર્મને સપ્લાય કરતી કંપની ક્રિડ ફૂડસર્વિસના સર્વેમાં તમામ પબ, રેસ્ટોરાં અને કેટરિંગ કંપનીઓમાંથી અડધાએ જણાવ્યું હતું કે ‘’જો તેમના ખર્ચમાં ઘટાડો નહિં થાય અને ગ્રાહકો વધુ ખર્ચ નહિં કરે તો તેમને એક વર્ષમાં પોતાના ધંધા બંધ કરવા પડશે.’’

LEAVE A REPLY

one × 2 =