પર્યાવર્ણની દૃષ્ટિએ વિશ્વના સૌથી જોખમી 100 શહેરોમાંથી 99 તો એશિયામાં છે. જેમાંના મોટાભાગના ભારત અથવા ચીનમાં છે, તેવું એક અભ્યાસમાં જણાયું છે, પર્યાવરણના જોખમ અંગેનો અભ્યાસ ગુરુવારે પ્રકાશિત થયો છે. વિશ્વના 576 શહેરોમાં પર્યાવરણની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં પર્યાવરણ માટે પ્રતિકૂળ સૌથી વધુ પડકારજનક પરિસ્થિતિ ભારતના 13 શહેરોમાં જોવા મળી છે.
વીરિસ્ક મેપ્લેક્રોફ્ટના અભ્યાસ મુજબ ભારતમાં સૌથી ખરાબ પર્યાવરણ દિલ્હીનું છે, તેને 576 શહેરોમાં બીજો ક્રમ મળ્યો છે. જ્યારે અન્ય ભારતીય શહેરોમાં ચેન્નાઇ ત્રીજા ક્રમે, આગ્રા છઠ્ઠા, કાનપુર દસમા, જયપુર 22મા, લખનઉ 24મા અને મુંબઇ 27મા સ્થાને છે.
આ અભ્યાસમાં એવા 20 શહેરોની હવાની ગુણવત્તા ચકાસવામાં આવી હતી જેની વસ્તી ઓછમાં ઓછી 10 લાખની હોય. આ ચકાસણી દરમિયાન જણાયું કે, તેમાં સૌ પ્રથમ સ્થાન દિલ્હીનું છે.
અભ્યાસમાં જણાવ્યા મુજબ વિશ્વભરમાં 1.5 બિલિયનની કુલ વસ્તીવાળા 400થી વધુ મોટા શહેરો આયુષ્ય ઘટાડી પ્રદૂષણ, પાણીની અછત, ભીષણ ગરમી, કુદરતી આફતો અને જળવાયુ પરિવર્તનને કારણે ઉચ્ચ સ્તરે જોખમી છે. જેમાં પ્રદૂષણ, પૂર, ગરમી જેવા પ્રકોપનો ભોગ બની રહેલું ઇન્ડોનેશિયાનું પાટનગર જાકાર્તા પ્રથમ ક્રમે છે. આવનારા દિવસોમાં જાકાર્તાની હાલત વધુ ગંભીર બને તેવું અનુમાન છે.
જો ફક્ત વાયુ પ્રદૂષણ પર નજર કરીએ તો, તેના કારણે દર વર્ષે વિશ્વભરમાં સાત મિલિયનથી વધુ લોકો અકાળે મૃત્યુ પામે છે, જેમાં એકલા ભારતમાં એક મિલિયન લોકોનો સમાવેશ થાય છે.
એશિયાની બહાર, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં સંયુક્ત તમામ જોખમની શ્રેણીમાં ‘ઉચ્ચ જોખમ’ ધરાવતા શહેરોનું પ્રમાણ સૌથી વધુ છે, પરંતુ લિમા ટોચના 100થી આગળ નીકળનાર એકમાત્ર બિન-એશિયન શહેર છે. આ રીપોર્ટના લેખક વિલ નિકોલ્સે જણાવ્યું હતું કે, વિશ્વની અડધાથી વધુ વસ્તી અને સંપત્તિને મુખ્ય વેગ આપનાર, શહેરો પહેલેથી જ હવાની દારુણ ગુણવત્તા, પાણીની અછત અને કુદરતી જોખમોને કારણે ગંભીરપણે તણાવમાં આવી રહ્યા છે.
અભ્યાસ મુજબ પાણીના પ્રદૂષણથી સૌથી વધુ અસરગ્રસ્ત 50 શહેરોમાં 35 ચીનમાં છે. અને પાણીની સૌથી વધુ અછતવાળા 15માંથી 13 શહેરો પણ ચીનમાં જ છે.
આ ઉપરાંત જળવાયુ પરિવર્તનની સૌથી વધુ ગંભીર અસર આફ્રિકાના ઉપ સહરાના વિસ્તોર પર પડશે. વિશ્વમાં જળવાયુ પરિવર્તનમાં સૌથી નબળા 45માંથી 40 શહેરો આ વિસ્તારમાં છે. વધુ વસ્તી ધરાવતા લાગોસ અને કિંશાસા શહેરો પર પર્યાવરણનું સૌથી વધુ જોખમ છે.