અરબ સાગરમાંથી ઊભું થયેલું ટૌકતે વાવાઝોડું ઝડપથી દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આથી કેરળના કોટ્ટયમના કિનારે ગઇકાલે ભારે વરસાદ પડ્યો હતો. ભારત સરકારના હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 કલાકમાં તે વિનાશક બની શકે તેમ છે અને તે 18 મે ના રોજ ગુજરાત સુધી પહોંચે તેવું માનવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં પણ ભારે નુકસાન થવાની આશંકા જણાઈ રહી છે. સાવચેતીના ભાગરૂપે નેશનલ ડિઝાસ્ટર રીલીફ ફોર્સની (NDRF)ની 53 ટીમોને રાહત કાર્ય માટે સતર્ક કરવામાં આવી છે.અત્યારે વાવાઝોડું સૌરાષ્ટ્રના વેરાવળથી અંદાજે 930 કિલોમીટર દૂર છે. જે પોરબંદર અને કચ્છના નલીયા પાસે 18 મેના રોજ ત્રાટકે તેવી આશંકા છે.વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 16 મે થી જ વરસાદ પડવાની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, જુનાગઢના, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ પંથકમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં 120થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. આ સ્થિતિમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. આ વાવાઝોડુ પાકિસ્તાનના સમુદ્રી કિનારાના વિસ્તારોમાં પણ તબાહી મચાવે તેવી સંભાવના છે.