નવી દિલ્હીમાં રવિવારે ગાંઝીપુર બોર્ડર ખાતે આંદોલનકારી ખેડૂતોએ વડાપ્રધાન મોદીના મન કી બાત પ્રોગ્રામ દરમિયાન તાળીઓ પાડીને તથા વાસણો ખખડાવીને વિરોધ કર્યો હતો. (PTI Photo/Atul Yadav)

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાથી માત્ર ખેડૂતો જ નહીં સત્તાધારી એનડીએના ઘટક પક્ષો પણ નારાજ છે અને છેડો ફાડી રહ્યા છે. અકાળી દળ બાદ શનિવારે રાજસ્થાનમાં ભાજપના સાથી પક્ષ આરએલપીએ એનડીએ સરકારથી છેડો ફાડયો હતો. આરએલપીમાં એક સાંસદ છે અને ત્રણ ધારાસભ્યો છે, જે રાજસ્થાનમાંથી ચૂંટાયેલા છે. આરએલપી 2018માં રાજસ્થાન વિધાનસભાની 57 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 2.40 ટકા મત સાથે ત્રણ બેઠકો પર વિજય થયો હતો.
રાજસ્થાનના અલવાર જિલ્લાના શાહજહાનપુરમાં ખેડૂતોની રેલીને સંબોધતા આરએલપીના નેતા હનુમાન બેનીવાલે કહ્યું હતું કે હું એનડીએ સાથે ફેવિકોલની જેમ ચોંટેલો નથી, આજે હું ખેડૂતોના સમર્થનમાં એનડીએ સાથે છેડો ફાડી અલગ થઇ રહ્યો છું.

અગાઉ બેનીવાલે ત્રણથી ચાર વખત જાહેરમાં કેન્દ્ર સરકારને ખેડૂતોની માગણીઓ પર ધ્યાન આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ચીમકી પણ આપી હતી કે જો ટુંક સમયમાં નિર્ણય ન આવ્યો તો મારો પક્ષ એનડીએ સાથે નહીં રહે. આ પહેલા બેનીવાલ ત્રણ કેન્દ્રીય સંસદીય સમિતીઓમાંથી પણ રાજીનામુ આપી ચુક્યા છે.

બેનીવાલની આ જાહેરાતથી રાજસ્થાનમાં અને હરિયાણામાં ભાજપને નુકસાન થવાની ધારણા છે. બેનીવાલ અને તેમનો પક્ષ જાટ સમુદાયમાં પ્રભાવ ધરાવે છે. જાટ સમુદાયની મોટી મતબેંક આ બન્ને રાજ્યોમાં આવેલી છે. બેનીવાલ સૌથી પહેલા ૨૦૦૮માં ભાજપમાં હતા ત્યારે રાજસ્થાનમાં ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. જોકે બાદમાં તેઓએ ભાજપ છોડી દીધુ અને ૨૦૧૩માં અપક્ષ તરીકે ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણી પહેલા બેનીવાલે પોતાનો પક્ષ આરએલપીની સ્થાપના કરી હતી ૨૦૧૯ની લોકસભામાં ભાજપ સાથે ગઠબંધન કર્યું અને પોતે સાંસદ પણ બન્યા હતા.

બેનીવાલે માત્ર એનડીએ સાથે છેડો ફાડવાની જ જાહેરાત નથી કરી, સાથે તેમણે એમ પણ કહ્યું છે કે ખેડૂતોના આંદોલનમાં હવે અમારો પક્ષ અને હું સંપૂર્ણપણે જોડાઇશું. ખેડૂતો પર જે પ્રકારનો અત્યાચાર થયો તે ક્યારેય ન સ્વીકારી શકાય. હાલ રાજસ્થાનથી અનેક ખેડૂતો હરિયાણા-રાજસ્થાનની સરહદે શાહજહાનપુરમાં મોટી સંખ્યામાં ધરણા કરી રહ્યા છે અને બેનીવાલ પણ તેમાં સામેલ છે.