(ANI Photo)

ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી-20માં બુધવારે ઝમકદાર અણનમ સદી સાથે ટી-20માં પાંચમી સદી નોંધાવી હતી અને એ સાથે તેણે આ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ કર્યા હતો.

રોહિત શર્મા માટે આ સીરીઝ યાદગાર બની રહી હતી. પહેલી અને બીજી મેચમાં ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયેલા રોહિત શર્માએ ત્રીજી મેચમાં એનો જાણે બદલો લઈ લીધો હતો.

રોહિતે પહેલી અડધી સદી 41 બોલમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે કરી હતી, તો બીજી અડધી સદી ફક્ત 23 બોલમાં, છગ્ગા અને 10 ચોગ્ગા સાથે કરી હતી. રીંકુ સિંહ સાથે રોહિતે પાંચમી વિકેટની અણનમ ભાગીદારીમાં 15.3 ઓવરમાં 190 રન કર્યા હતા. ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં કોઈપણ વિકેટની સૌથી મોટી ભાગીદારીનો આ નવો રેકોર્ડ છે.

રોહિતે સૌથી વધુ સદીની સાથે સુકાની તરીકે સૌથી વધુ રનનો રેકોર્ડ કર્યો હતો. વિરાટ કોહલીનો અત્યાર સુધીનો 1570 રનનો રેકોર્ડ તોડી રોહિતે 1648 રન કર્યા હતા. જો કે, વર્લ્ડ ક્રિકેટમાં આ મોરચે તે ચોથા ક્રમે છે.

નિવૃત્ત થઈ ચૂકેલો ઓસ્ટ્રેલિયાનો સુકાની એરોન ફિન્ચ 2236 રન સાથે રેકોર્ડ હોલ્ડર છે, તો પાકિસ્તાનનો બાબર આઝમ હાલમાં સુકાનીપદે નથી, પણ સુકાની તરીકે તે 2195 રન સાથે બીજા ક્રમે તથા ન્યૂઝીલેન્ડનો સુકાની કેન વિલિયમસન 2125 રન સાથે ત્રીજા ક્રમે છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી-20 મેચમાં કુલ 424 રન થયાનો આ નવો રેકોર્ડ પણ છે.

LEAVE A REPLY

twelve + 17 =