
બકિંગહામ પેલેસે 2020 થી 2023 દરમિયાન શાહી પરિવારના સભ્યોને મળેલી સત્તાવાર ભેટોની યાદી બહાર પાડી છે જેમાં બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ-ખલીફા દ્વારા કિંગ ચાર્લ્સને આપવામાં આવેલી રોલ્સ રોયસ કુલીનન સિરીઝ II મોટર કાર અને સુશોભીત ઘડિયાળની ચર્ચાઓ થઇ રહી છે.
ઓછામાં ઓછા £300,000 ની કિંમતની મનાતી આ કારનો ઉપયોગ માત્ર સત્તાવાર પ્રસંગો પર કરવામાં આવશે અને વ્યક્તિગત ઉપયોગ કરાશે નહીં.
યાદીમાં સમાવાયેલ અન્ય ભેટોમાં એમેઝોનિયન નેતાઓ તરફથી અપાયેલા પીછાનો તાજ, બોન્ડ સ્ટ્રીટના સ્મિથસન તરફથી અપાયેલા ચાના સેટ અને બે સોનાના બ્લુ પીટર બેજ પણ શામેલ છે. એપ્રિલ 2023માં, રાજ્યાભિષેક પહેલાં, રાજાને અને કેમિલાને સોનાના બ્લુ પીટર બેજ અપાયા હતા.
યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેને ચાર્લ્સને એલિઝાબેથ II અને રાષ્ટ્રપતિ ડ્વાઇટ આઇઝનહોવર વચ્ચેના પત્રો ધરાવતું લેઘર ફોલ્ડર આપ્યું હતું જેમાં યુકે આવવાના આમંત્રણ પત્ર અને મુલાકાતનો ફોટોગ્રાફ હતો.
આ ઉપરાંત પ્લેટિનમ જ્યુબિલી માટે, સ્વર્ગસ્થ રાણીને પોપ ફ્રાન્સિસ તરફથી અપાયેલા બે લેમ્પ-પોસ્ટનો સમાવેશ થાય છે. શાહી પરિવાર આ સત્તાવાર ભેટો પહેરી અને વાપરી શકે છે, પરંતુ તેને રાજવી પરિવારની વ્યક્તિગત મિલકત માનવામાં આવતી નથી. કોવિડ રોગચાળા, એલિઝાબેથ II ના મૃત્યુ અને રાજ્યાભિષેકને કારણે થયેલા વિલંબને કારણે રાજાના શાસનકાળમાં આ પહેલી વાર યાદી પ્રકાશિત કરવામાં આવી છે.
