Picture Courtesy: Royal Mint

રોયલ મિન્ટે આબોહવા પરિવર્તન વિશે જાગૃતી આણવાના હેતુથી બ્રિટિશ વન્યજીવન દર્શાવતા “ક્લાઇમેટ ચેન્જ યુગ”ના  1 પેનીથી લઇને £2 સુધીના કુલ આઠ સિક્કાઓની ડિઝાઇનનું અનાવરણ કર્યું છે. આ સિક્કાઓ પર ચળકતા પફિન્સ, સાલ્મન, લાલ ખિસકોલી, કેપરકેલી અને ડોર્મિસ જોવા મળશે.

હકીકત એ છે કે પ્રકૃતિપ્રેમી રાજા ચાર્લ્સ એવા સમયે સિંહાસન પર આવ્યા છે જ્યારે છમાંથી એક બ્રિટિશ પ્રજાતિ લુપ્ત થવાના જોખમમાં છે. આશા રખાય છે કે નવા સિક્કા આ સંવેદનશીલ પ્રજાતિઓને કેવી રીતે શ્રેષ્ઠ રીતે સાચવી શકાય તે અંગે વાતચીતને વેગ આપશે.

1 પેન્સના સિક્કા પર હેઝલ ડોર્માઉસ દર્શાવશે, જેની વસ્તી 2007થી અડધી થઈ ગઈ છે. લાલ ખિસકોલીનો કોટ 2 પેન્સના સિક્કાના તાંબાના રંગ સાથે સંપૂર્ણ રીતે ભળે છે. 5 પેન્સનો સિક્કો ઓકના ઝાડમાંથી લીધેલ એક પાન દર્શાવે છે. નવા 10 પેન્સના સિક્કામાં પક્ષી કેપરકેલી દર્શાવવામાં આવશે. હવે 500 જેટલા કેપરકેલી જ અસતીત્વમાં છે. પફિન્સને  જોખમી પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરાઇ છે, જે નવા 20 પેન્સના સિક્કા પર દેખાશે. જ્યારે 50 પેન્સના સિક્કા પર કૂદતી એટલાન્ટિક સાલ્મન દેખાશે. £1ના સિક્કા પર બ્રિટનની 250 મધમાખી પ્રજાતિઓ દેખાશે તો £2ના સિક્કા પર દેશના ચાર રાષ્ટ્રોના પ્રતીક તરીકે ગુલાબ, ડેફોડિલ, થિસલ અને શેમરોક ફૂલો દર્શાવાશે.

કિંગ ચાર્લ્સના માતા સ્વ. ક્લીન એલિઝાબેથની છબી સાથેના લગભગ 27 બિલિયન સિક્કા હજી પણ ચલણમાં છે. ઇતિહાસના અન્ય કોઈ રાજા કરતાં રાણી એલિઝાબેથનું પોટ્રેટ વધુ સિક્કાઓ પર હતું.

આ સિક્કાઓની મુખ્ય કોતરણી કરનાર ગોર્ડન સમર્સની દેખરેખ હેઠળ કારીગરોની એક ટીમ દ્વારા ડિઝાઇન કરાઇ હતી અને રાજા પાસેથી અંતિમ મંજૂરી મેળવવામાં આવી હતી.

રોયલ મિન્ટ 1,100 વર્ષથી બ્રિટનના સિક્કાઓ બનાવે છે. અને આ સંગ્રહ આલ્ફ્રેડ ધ ગ્રેટથી લઈને એલિઝાબેથ II સુધીના રોયલ્સની છબીઓ ધરાવે છે.

કલ્પી શકાય છે કે કિંગ ચાર્લ્સ 100 ઇંગ્લિશ, સ્કોટિશ અને બ્રિટિશ રાજાઓમાંના છેલ્લા રાજા હશે જેમની છાપ સિક્કા પર નહિં હોય.

LEAVE A REPLY

9 + 20 =