નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેને શાહરૂખ ખાન, તેના પુત્ર આર્યન ખાન, પત્ની ગૌરી ખાન અને અન્યો સામે રૂ.2 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. આર્યન ખાનની દિગ્દર્શક તરીકેની ડેબ્યુ સીરિઝ બેડ્સ ઓફ બોલીવૂડ તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સીરિઝના એક એપિસોડમાં મારા જેવું પાત્ર રજૂ કરીને મને બદનામ કરવામાં આવ્યો હોવાનો દાવો વાનખેડેએ કર્યો હતો. વાનખેડેએ આને માત્ર બદનક્ષી જ નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવનું પણ અપમાન હોવાનો દાવો કર્યો હતો.
આ સીરિઝમાં એનસીબીના આ અધિકારીને અદ્દલ સમીર વાનખેડે જેવો દર્શાવાયો છે. ઉલ્લેખનીય છે કે 2021માં ક્રુઝ પર ડ્રગ્સ રાખવાના કેસમાં સમીર વાનખેડેએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. આ કેસમાં આર્યન ખાનને નિર્દોષ છોડવામાં આવ્યો હતો જ્યારે વાનખેડે સામે તપાસ ચાલી રહી છે. વાનખેડેએ દાવો કર્યો છે કે, આ સીરિઝમાં ડ્રગ્સ વિરોધી અમલીકરણ એજન્સીનું ભ્રામક અને નકારાત્મક ચિત્રણ દર્શાવાયું છે. આનાથી લોકોમાં એજન્સી પ્રત્યેનો વિશ્વાસ ઘટે છે.
વાનખેડેએ દાવામાં પ્રોડક્શન હાઉસ, નેટફ્લિક્સ અને અન્યો સામે કાયમી અને ફરજિયાત મનાઈ હુકમ જાહેર કરવા અને નુકસાની બદલ વળતરની માંગ કરી છે. તેમણે બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન, પત્ની ગૌરી ખાનની માલિકીના રેડ ચિલિઝ એન્ટટેઇન્મેન્ટ, પ્રા. લી સામે દાવો માંડ્યો છે.
