યુક્રેન પર આક્રમણને પગલે રશિયા પર વિશ્વના અગ્રણી દેશોએ નવા આકરા આર્થિક પ્રતિબંધો મૂક્યા હોવાથી સોમવારે અમેરિકાના ડોલર સામે રશિયાના રૂબલમાં આશરે 30 ટકાનો અસાધારણ કડાકો બોલાયો હતો. વિદેશી ફોરેન એક્સ્ચેન્જમાં અમેરિકાના ડોલર સામે રૂબલ 27 ટકા તૂટીને 114.33ના સ્તરે ટ્રેડ થતો હતો, એમ બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલમાં જણાવાયું હતું.

અમેરિકા અને યુરોપિયન યુનિયનને જણાવ્યું હતું કે તેઓ ઇન્ટરનેશનલ બેન્ક પેમેન્ટ સિસ્ટમ SWIFTમાં રશિયાની કેટલીક અગ્રણી બેન્કો પર પ્રતિબંધ મૂકશે. પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન અને વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સહિતના જી-સેવન દેશોએ ચીમકી આપી હતી કે જો રશિયા યુદ્ધવિરામ નહીં કરે તો તેઓ વધુ પગલાં લેશે.