SWIFT. Society for Worldwide Interbank Financial (istockphoto.com)Telecommunications. Financial Banking regulation concept.

ઇન્ટરનેશનલ બેન્ક પેમેન્ટ સિસ્ટમ SWIFTમાંથી રશિયાની કેટલીક અગ્રણી બેન્કોને બાકાત રાખવાના અમેરિકા અને યુરોપિયન કમિશનનના નિર્ણયને પગલે ભારત જેવા કેટલાંક દેશોએ પેમેન્ટને સુનિશ્ચિત કરવા માટે બીજા વિકલ્પોની વિચારણા કરવી પડે તેવી શક્યતા છે. ભારત અને રશિયા જેવા દેશો માટે નવી સિસ્ટમ વિકસાવવાની તક છે.
સ્વીફ્ટ નેટવર્કથી પેમેન્ટના ઝડપી સેટલમેન્ટ માટે વિશ્વભરની નાણા સંસ્થાઓ વચ્ચે સુરક્ષિત કમ્યુનિકેશન શક્ય બને છે. રશિયા પરના પ્રતિબંધોને પગલે ભારત સરકાર, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને અગ્રણી બેન્કો હાલમાં વૈકલ્પિક સિસ્ટમ અંગે વિચારણા કરી રહ્યાં છે, એમ બે બેન્કર્સે જણાવ્યું હતું.

વૈકલ્પિક સિસ્ટમ માટે ભારત બે દાયકા પહેલા ઇરાન સાથે વેપાર માટે વિકસિત કરેલી સિસ્ટમનો પણ અભ્યાસ કરી રહ્યું છે. 2012માં અમેરિકાના પ્રતિબંધો બાદ ઇરાન માટે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરવાનું મુશ્કેલ બન્યું હતું. તે સમયે કોલકતા સ્થિત યુકો બેન્કેની બંને દેશો વચ્ચે પ્રાયમરી પેમેન્ટ એજન્ટ તરીકે નિમણુક કરવામાં આવી હતી. આ સિસ્ટમના ભાગરૂપે ઇરાનની બેન્કે યુકો બેન્કોમાં “vostro” એકાઉન્ટ ખોલાવ્યું હતું. ભારતના આયાતકારો આ એકાઉન્ટમાં રૂપિયામાં ફંડ જમા કરતા હતા અને ઇરાન પાસેથી ક્રૂડઓઇલ મેળવતા હતા. યુકો બેન્ક આ પેમેન્ટ ઇરાનને મોકલતું હતું.

યુકો બેન્ક તુલનાત્મક રીતે નાની બેન્ક છે અને તે વૈશ્વિક બેન્કો સાથે મર્યાદિત ટ્રાન્ઝેક્શન કરે છે તેથી વૈશ્વિક નિયંત્રણોથી પણ છટકી શકે છે. તેથી આવા ટ્રાન્ઝેક્શન માટે તેની પસંદગી થઈ હતી. ભારત હવે રશિયા સાથે પણ આવી ગોઠવણ કરી શકે છે.

બેન્કરોએ જણાવ્યું હતું કે આવી ગોઠવણમાં મહત્ત્વનો મુદ્દે એક્સ્ચેન્જ રેટ કેવી રીતે નિર્ધારિત કરવો તે છે. આ ઉપરાંત રૂબલને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે પૂરતી તરલતા પણ જરૂરી બને છે. ઇરાનની સરખામણીમાં ભારત રશિયા સાથે વધુ દ્વિપક્ષીય વેપાર કરે છે. ભારત અને રશિયા વચ્ચે એપ્રિલ 2020થી માર્ચ 2021 વચ્ચે આશરે 8.1 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. ભારતે 2.6 બિલિયન ડોલરની નિકાસ અને 5.48 બિલિયન ડોલરની આયાત કરી હતી.