ભારતમાં કોરોનાના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ માટે ભારત સરકારની સાથે રાજ્ય સરકારો પણ સતર્ક બની છે. આવા સંજોગોમાં ફ્લાઇટમાં પ્રવાસ દરમિયાન જો કોઈ યાત્રી કોરોના સંબંધિત માર્ગદર્શિકા અને નિયમોનું પાલન નહીં કરે તો જે તે એરલાઈન્સ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકશે. તાજેતરની વિવિધ ઘટનાઓમાં જુદી જુદી એરલાઇન્સમાંથી કોવિડ-19ના નિયમોને અવગણનાર આઠ પ્રવાસીઓને ફ્લાઇટમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓએ માસ્ક અને પીપીઈ કીટ પહેરવાનો ઇન્કાર કર્યો હતો. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ત્રણ એરલાઈન્સમાંથી આઠ લોકોને મુસાફરી કરવા દેવામાં આવી નહોતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જો કોઈ પ્રવાસી નિયમોનું પાલન ન કરે તો તેના પર બે વર્ષ માટે ફ્લાઇટની યાત્રાનો પ્રતિબંધ મુકાઈ શકે છે. પ્રવાસીને વારંવાર વિનંતી કરવામાં આવી હોવા છતાં જો તે માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તો તેમને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવી શકે છે અને તેમના પર ભવિષ્યમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. જો કોઈ પ્રવાસીને અનેકવાર વિનંતી કરવા છતાં નિયમોનું પાલન ન કરે તો તેને ત્રણ મહિનાથી લઈને આજીવન ‘નો ફ્લાઈ લિસ્ટ’માં મુકવામાં આવી શકે છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે આપેલા ચૂકાદા પ્રમાણે જો કોઈ પ્રવાસી ફ્લાઇટમાં માસ્ક, પીપીઈ કીટ પહેરવાનો ઇન્કરા કરે અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે તો તેને ફ્લાઇટમાં ઉતારી શકાશે. ચૂકાદામાં જણાવ્યું છે કે, એરલાઈન્સ આ પ્રકારના મુસાફરો વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.