ભારતમાં એર ટિકિટમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સિવિલ એવિએશન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વીટર દ્વારા જાહેરાત કરી છે કે, એર ટિકિટના લોઅર બેન્ડમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના વધતા ભાવને આ વધારા માટે જવાબદાર ગણાવ્યા છે.
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સરકારે ભાડામાં લોઅર બેન્ડમાં 10 ટકાનો અને અપર બેન્ડમાં 30 ટકાનો વધારો કર્યો હતો. હવે ઓછી પ્રાઇઝ બેન્ડમાં ફરીથી વધારો થયો છે. આ વધારો એપ્રિલ મહિનાના અંત સુધી યથાવત રાખી શકાશે. એટીએફના દરની સમીક્ષા કરીને સરકાર આગળનો નિર્ણય લેશે.
હરદીપસિંહ પુરીએ એમ પણ કહ્યું કે, કોરોનાને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસ અને રાજ્યો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધ કારણભૂત છે. આ જ કારણ છે કે સરકાર હાલમાં ડોમેસ્ટિક એર ટ્રાવેલિંગ સંપૂર્ણ રીતે શરૂ કરવાનો નિર્ણય લીધો નથી. એરલાઇન કંપનીઓ 80 ટકા ક્ષમતા પર કામ કરવાનું ચાલુ રાખશે.
ભારત સરકારે ફ્લાઇટમાં મુસાફરીના સમયના આધારે ટિકિટના દરની સાત કેટેગરી બનાવી છે. તમામ કેટેગરીમાં અંતર પ્રમાણે લઘુત્તમ અને મહત્તમ ભાડા નક્કી કરાયા હતા. દેશમાં લઘુતમ ભાડુ રૂ. 2800 અને મહત્તમ ભાડુ રૂ. 28 હજાર રાખવામાં આવ્યું હતું. એરલાઇન કંપનીઓ માગ અને પુરવઠાના આધારે ભાડુ નક્કી કરે છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, લોકોને આ માટે ખૂબ ઉંચા ભાવ ચૂકવવા ન પડે તે માટે સરકારે આ સમય મર્યાદા નક્કી કરી છે.