Momentum in Foreign Trade in Rupees
પ્રતિકાત્મક તસવીર

ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્કે (આરબીઆઇ)એ બેન્કોને આયાત અને નિકાસ ટ્રાન્ઝેક્શન ભારતીય રૂપિયા (કરન્સી)માં કરવાની છૂટ આપી છે. તેનાથી ભારતીય ચલણ વૈશ્વિક કરન્સી બનશે અને વેપારીઓ માટે વિદેશી ચલણના જોખમમાં ઘટાડો થશે. રૂપિયામાં ટ્રેડની પરવાની માટેની વ્યવસ્થા ગોઠવતા પહેલાં બેન્કોએ રિઝર્વ બેન્કના ફોરેન એક્સચેન્જ વિભાગ તરફથી જરૂરી મંજૂરી લેવાની રહેશે. આરબીઆઈએ આ અંગે પરિપત્ર જારી કર્યો છે.

આરબીઆઈએ કહ્યું હતું કે રૂપી કરન્સીમાં વૈશ્વિક સ્તરે રસ વધી રહ્યો છે તેને પગલે આવી વ્યવસ્થા ગોઠવી રહી છે. આ નિર્ણયનો હેતુ ભારતમાંથી નિકાસ પર ભાર મૂકીને વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવાનો છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ઈન્વોઈસિંગ, પેમેન્ટ અને સેટલમેન્ટ ભારતીય કરન્સી-રૂપિયામાં કરાશે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ  (FIEO)એ કહ્યું હતું કે ફેમાની હાલની જોગવાઈ અનુસાર નેપાળ-ભુતાનને બાદ કરતા અન્ય દેશો સાથે ટ્રેડ ડીલમાં અંતિમ સેટલમેન્ટ ફોરેન એક્સચેન્જમાં કરવાનું રહે છે,  પરંતુ હવે જો આરબીઆઈ મંજૂરી આપશે તો તમામ દેશોમાં ફાઈનલ સેટલમેન્ટ ભારતીય રૂપિયામાં થશે. આ રીતે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ટ્રેડ અને ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ રૂપિયામાં શક્ય બનશે.

રિઝર્વ બેન્કના આ પગલાથી કેટલાક દેશો સાથે અમેરિકન ડોલરમાં ટ્રેડ પર નિયંત્રણો કે પ્રતિબંધો હોય તેવી સ્થિતિમાં પણ વેપારમાં આગળ ધપી શકશે. ઉદાહરણ તરીકે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછીથી અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આથી ભારતીય કંપનીઓ રશિયન કોમોડિટીના નીચા ભાવનો લાભ લઈને વૈકલ્પિક પેમેન્ટ વ્યવસ્થા દ્વારા આયાત પર વિચાર કરી રહી છે.

નવી સેટલમેન્ટ વ્યવસ્થા હેઠળ નિકાસ અને આયાત રૂપી કરન્સીમાં થશે અને તેના બિલ રૂપી કરન્સીમાં બનશે. જે બે દેશો વચ્ચે ટ્રેડ સેટલમેન્ટ થયું હશે તે બે દેશોના જે એક્સચેન્જ રેટ હશે તે લાગુ થશે અને તેના આધારે બિલ બનશે.

આ ટ્રેડ ડીલના સેટલમેન્ટ માટે ભારતની જે બેન્કોને માન્યતા હશે તેમણે જે-તે પાર્ટનર ટ્રેડિંગ કન્ટ્રી (જે દેશમાં ડીલ કરવાનું હોય તેનું) સ્પેશ્યલ રૂપી એકાઉન્ટ્સ ખોલવાનું રહેશે. આ મિકેનિઝમનો ઉપયોગ કરનારા ભારતીય આયાતકારોએ રૂપી કરન્સીમાં પેમેન્ટ કરવાનું રહેશે. તે રકમ જે તે દેશની નિશ્ચિત બેન્કના સ્પેશ્યલ એકાઉન્ટમાં જમા થશે. ભારતીય નિકાસકારોને પણ એ જ પ્રકારે જે-તે પાર્ટનર કન્ટ્રીની ચોક્કસ બેન્કના સ્પેશ્યલ એકાઉન્ટમાં રહેલી બેલેન્સ રકમમાંથી રૂપી કરન્સીમાં ચુકવણી થશે.