અમેરિકાના મુસ્લિમ બહુમતી ધરાવતા હેમટ્રેમક શહેરમાં બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના સન્માનમાં કાર્પેન્ટર સ્ટ્રીટનું નામ બદલીને ખાલિદા ઝિયા સ્ટ્રીટનું નામ આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશી અખબાર દેશ રૂપાંતરના રીપોર્ટ મુજબ, મિશિગનના હેમટ્રેમક શહેરની વસ્તી 28, 433 છે અને ત્યાં બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સૌથી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. આ શહેરમાં 70 ટકા જેટલા રહેવાસીઓ મુસ્લિમ છે. આ શહેરના લોકો દેશની પ્રથમ અને એકમાત્ર મુસ્લિમ સિટી કાઉન્સિલ હોવાનો પણ ગર્વ અનુભવે છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના મીડિયા સેલ દ્વારા તેના ફેસબુક પેજ પર આ સમાચાર જણાવવામાં આવ્યા હતા અને કહ્યું કે આ નામ બદલવાથી ઝિયાનાં નેતૃત્વ અને દેશમાં તેમના યોગદાનની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતી પ્રતિબિંબિત થાય છે. મીડિયા સેલના જણાવ્યા મુજબ, હેમટ્રેમક સિટી કાઉન્સિલમાં બાંગ્લાદેશી મૂળના ચાર કાઉન્સિલરોએ સ્ટ્રીટના નામમાં ફેરફાર કરવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે, સ્ટ્રીટના નામમાં આવો ફેરફાર પ્રથમવાર નથી થયો, અગાઉ શિકાગોમાં એક સ્ટ્રીટને બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઝિયાઉર રહેમાનનું નામ આપવામાં આવ્યું હતું.












