મૂળ કોવિડ વાયરસ કરતા વધુ ચેપ લગાવતા અને રસીની જેના પર ઓછી અસર થવાના અહેવાલો છે તેવા સાઉથ આફ્રિકાના કોરોનાવાયરસ વેરિયન્ટના ફેલાવાને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા હજારો લોકોના ઘરે જઇને બે અઠવાડિયાના ટૂંકાગાળામાં ટેસ્ટીંગ કરવામાં આવશે. સાઉથ આફ્રિકન વેરિઅન્ટ ધરાવતા પોસ્ટકોડ વિસ્તારના પરિવારોને ખાવાનું લેવા બહાર જતા પહેલા ‘બે વાર વિચાર’ કરવા વિનંતી કરવામાં આવી છે. સેજ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મળેલા 11 કેસ ‘આઇસબર્ગની ટોચ’ સમાન છે.

પી.સી.આર. ટેસ્ટ કિટ્સ લોકોના ઘરે પહોંચાડવા અને એકત્રિત કરવા માટે આરોગ્ય અધિકારીઓ, ફાયરફાઇટર્સ અને સ્વયંસેવકોની ટુકડીઓ કામે લગાડવામાં આવશે અને મોબાઇલ ટેસ્ટ યુનિટ્સ દરેક વિસ્તારમાં મોકલવામાં આવશે. વેરિયન્ટના વ્યાપને જાણવા ગંદા પાણીનું પણ ટેસ્ટીંગ કરી શકાય છે. આ નવા વાયરસને રોકવા રસીના બૂસ્ટર શોટની જરૂર પડી શકે છે, એમ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે જણાવ્યું છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, ‘’ઇંગ્લેન્ડના દક્ષિણમાં આવેલા સરેથી લઇને લેન્કશાયરના સેફ્ટન સુધીના આઠ વિસ્તારોમાં સમુદાયમાં ચેપ પ્રસર્યો હોવાના પૂરાવા મળી આવ્યા છે. આવા પોસ્ટકોડ વિસ્તારોમાં આશરે 80,000 રહેવાસીઓના ટેસ્ટીંગનો આદેશ આપ્યો છે. ચેપના એવા કિસ્સા મળ્યા છે જે મુસાફરીથી ઉદ્ભવ્યા નથી. સરકારનો ધ્યેય આ નવા પ્રકારના ફેલાવાને સંપૂર્ણપણે અટકાવવવાનો છે.’’

હેનકોકે ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “અમે ટેસ્ટ કીટ મોકલીએ છીએ તે પોસ્ટકોડ્સમાંથી એકમાં રહેતા હો તો તમારે માટે ઘરે જ રહેવું હિતાવહ છે. જેમને લક્ષણ નહિ હોય તેમનો પણ ટેસ્ટ કરાશે જેથી આપણે નવા સ્ટ્રેઇનના ફેલાવાની સાંકળ તોડી શકીએ. હજુ વાયરસ સામેની લડત પૂરી થઈ નથી.’’

પીએચઇના કોવિડ સ્ટ્રેટેજીક રીસ્પોન્સ ડિરેક્ટર ડૉ. સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે ‘’આ વેરિએન્ટ સામે એસ્ટ્રાઝેનેકા રસીની અસરકારકતા અંગે કોઈ નિશ્ચિત સંશોધન થયું નથી, તેમ છતાં પ્રયોગશાળામાં સંશોધન ચાલુ છે. હવે R રેટ 1થી નીચે હોવાથી આપણે આ નવા સ્ટ્રેઇનના કેસો ઘટાડી શકીશું. પરંતુ અન્ય વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તેને દૂર કરવામાં મોડું થઈ શકે છે.’’

મુસાફરી સાથે જોડાયેલા અગિયાર કેસ આઠ પોસ્ટકોડ વિસ્તારો, ઇલિંગમાં W7, હેરીંગેમાં N17, મર્ટનમાં CR4, વૉલ્સોલમાં WS2, કેન્ટમાં ME15, હર્ટફર્ડશાયરમાં EN10, સરેમાં GU21 અને લેન્કેશાયરમાં PR9 વિસ્તારોમાં જોવા મળ્યાં છે. આ કેસો તા. 18 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટ દરમિયાન ઉભરી આવ્યા છે. દક્ષિણ આફ્રિકાની મુસાફરી સાથે જોડાયેલા વાયરસના કેટલાક 94 કેસોની પણ ઓળખ થઈ છે. જો કે આઠ વિસ્તારોમાં મળી આવેલા 11 કેસને દક્ષિણ આફ્રિકાની મુસાફરીની કોઈ લિંક મળી નથી અને તે બીજી કે ત્રીજી પેઢીનો ચેપ લાગવાની સંભાવના છે. આ સાથે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી મળી આવેલા વિવિધ પ્રકારનાં કિસ્સાઓની સંખ્યા 105 થઇ છે.

શેડો હોમ સેક્રેટરી નિક થોમસ-સાયમન્ડ્સે, આ બાબતને “ચિંતાજનક” અને યુકે સરકારની ક્વોરેન્ટાઇન પોલીસી દેશમાં કામ કરી રહી નથી તેમ જણાવી હોમ સેક્રેટરી શા માટે રોજના 21,000 લોકોને આવવાની મંજૂરી આપે છે અને સરહદો કોવિડ માટે ખુલ્લી રાખે છે તેવા પ્રશ્નો કર્યા હતા. જો કે સાઉથ આફ્રિકાથી યુકેની ડાયરેક્ટ ફ્લાઇટ તા. 24 ડિસેમ્બરથી બંધ છે.

સરેના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર રૂથ હચિન્સને જણાવ્યું હતું કે ડોર-ટુ-ડોર ટેસ્ટીંગ એક સાવચેતીભર્યું પગલું હતું અને વધુ ફેલાવો અટકાવવાની વધુ સારી તક છે. એમ કહેવું ખરેખર મહત્વનું છે કે વાયરસનો આ પ્રકાર વધુ ગંભીર બીમારીનું કારણ બને છે તેવા હવે કોઈ પુરાવા નથી, તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી” ગુરુવારથી હર્ટફર્ડશાયરમાં ડોર-ટુ-ડોર ટેસ્ટીંગ શરૂ થવાનું છે અને આ પ્રકારનું ટેસ્ટીંગ અગાઉ ઉચ્ચ ચેપવાળા વિસ્તારો જેવા કે રેડબ્રીજ, લેસ્ટર અને ઓલ્ડહામમાં થઇ ચૂક્યું છે. આ વેરિએન્ટનો એક કેસ હર્ટફર્ડશાયરમાં, બે કેસ સરેમાં મળી આવ્યા છે. નવા વેરિએન્ટને નાબૂદ કરવા કોન્ટેક્ટ ટ્રેસિંગ સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આજે સ્વાસ્થ્ય અધિકારીઓએ સ્થાનિક પોલીસ, કાઉન્સિલરો અને ફાયર બ્રિગેડ સાથે મળીને પૉપ-અપ ટેસ્ટીંગ કેન્દ્રો સ્થાપવા ગયા હતા અને તેમણે વૉલ્સોલ, વૉકિંગ, લંડન, કેન્ટ, હર્ટફર્ડશાયર અને લેન્કેશાયરના ભાગોમાં ઘરોની મુલાકાત લઇ રહેવાસીઓને ટેસ્ટીંગ માટે સમજ આપી હતી.