યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ‘’યુકે સરકાર એરલાઇન્સ સાથેના વિશેષ ચાર્ટર ડીલ દ્વારા દક્ષિણ એશિયાના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી કોરોનાવાયરસના કારણે લોકડાઉનમાં ફસાયેલા 7,000 નાગરિકોને પરત લાવવા માટે 31 ચાર્ટર ફ્લાઇટ્સ ચલાવશે. તા. 20થી 27 એપ્રિલ વચ્ચે ભારતથી 17, પાકિસ્તાનથી 10 અને બાંગ્લાદેશથી ચાર ફ્લાઇટમાં તેમને પરત લવાશે.’’

ડોમિનિક રાબે જણાવ્યું હતું. “અમે બ્રિટીશ મુસાફરોને ઘરે પાછા લાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ. વુહાનમાં કોરોનાવાયરસ ફાટી નીકળ્યો ત્યાર પછી અમે એક મિલિયન કરતા વધુ બ્રિટીશ નાગરિકોને કોમર્સીયલ ફ્લાઇટ્સ દ્વારા એરલાઇન્સ અને વિદેશી સરકારોના સહકારથી પાછા લાવ્યા છીએ.”

ફોરેન એન્ડ કોમનવેલ્થ ઑફિસે જણાવ્યું હતું કે ‘’દક્ષિણ એશિયાની સરકારો સાથે કોમર્સીયલ ફ્લાઇટ્સ રૂટ્સ ચાલુ રાખવા અને એરપોર્ટને ખુલ્લા રાખવા સાથે મળીને કામ કર્યું છે. આ અગાઉ આ ક્ષેત્રમાંથી 24 ફ્લાઇટ્સ, મોટા ભાગે ભારતથી મુસાફરોને પરત લાવ્યા છીએ. સરકાર આ સંકટ શરૂ થયા પછીથી કુલ 55 ફ્લાઇટ્સમાં 10,000થી વધુ બ્રિટીશ પ્રવાસીઓના પરત લાવશે.

યુ.કે. અને પાકિસ્તાન વચ્ચે વ્યાપક સહયોગને પગલે 8,000થી વધુ બ્રિટિશ નાગરિકો, તા. 4થી 16 એપ્રિલની વચ્ચે 23 કમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા યુકે પરત ફર્યા હતા. બાંગ્લાદેશથી ચાર ફ્લાઇટ્સ દ્વારા 850 મુસાફરો અને નેપાળથી ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા 700થી વધુ મુસાફરો યુકે પરત આવ્યા છે.