(Photo by Christopher Furlong/Getty Images)

“બ્લેક લાઇવ્સ મેટર”ના નારા લગાવતા બે ડઝન જેટલા વિરોધીઓનું એક જૂથ ગુરુવારે તા. 4ના રોજ વડા પ્રધાન બોરીસ જ્હોન્સનના નજીકના સાથી અને સલાહકાર ડોમિનિક કમિંગ્સના લંડન ખાતેના ઘરની બહાર એકઠુ થયું હતુ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાંથી એકે મેગાફોન દ્વારા સરકાર કોરોનાવાયરસ સામે કરાયેલી કાર્યવાહીને વખોડી કાઢી હતી.

કમિંગ્સે કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન લંડનથી 250 માઇલ પ્રવાસ કર્યા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો તરફથી રાજીનામું આપવા માટેના તીવ્ર દબાણનો પ્રતિકાર કર્યો હતો. જ્હોન્સને પણ નકારી કાઢ્યું હતું કે તેમના સલાહકારે બાકીના સમાજ પર લાદવામાં આવતા નિયમોને તોડ્યા.

લંડનના મેયર સાદિક ખાને શ્વેત લોકો સામે થઇ રહેલા રેસીઝમનો વિરોધ કરતી ટ્વીટ કરી વિરોધ સાથે એકતા દર્શાવી હતી પરંતુ ગુરુવારે એલબીસી રેડીયો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘’વિરોધ કરનારાઓનો નાનો ભાગ આક્રમક, હિંસક અને અમારી પોલીસ પ્રત્યે અપમાનજનક રહ્યો હતો. ગેરકાયદેસર પ્રદર્શન “અસ્વીકાર્ય” છે. એક નાનકડી લઘુમતી સામાજિક અંતરનાં નિયમોને અનુસરવામાં નિષ્ફળ થઈ છે અને અજાણતાં વાયરસનો ફેલાવો કરી રહી છે અને અમુક ચેપ મેળવી રહ્યા છે. વાયરસ હજી પણ છે અને તે જીવલેણ છે. હું સમજું છું કે લોકો ગુસ્સે છે પણ ખૂબ કાળજી લેવી જોઇએ.

યુરોપભરમાં બ્રિટનમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો છે અને વંશીય લઘુમતીઓનાં લોકો અપ્રમાણસર અસરગ્રસ્ત થયા છે. ઇંગ્લેંડના શ્યામ અને એશિયન લોકોની કોવિડ-19 ચેપ બાદ મૃત્યુ પામવાની સંભાવના 50 ટકા વધારે છે.