લંડનના મેયર સાદિક ખાને રવિવાર 21 મે 2023ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાત લઇ વિશ્વસ્તરે આદરણીય હિંદુ આધ્યાત્મિક નેતા પ. પૂ. મહંત સ્વામી મહારાજને મળીને આશીર્વાદ મેળવ્યા હતા. મેયરનું સ્વાગત યુકે અને યુરોપમાં BAPSના હેડ પૂ. યોગવિવેકદાસ સ્વામી તેમજ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરાયું હતું.

હાલમાં ધર્મ, સેવા અને વૈશ્વિક સંવાદિતાની પ્રેરણા આપવા યુકેની મુલાકાતે આવેલા પ. પૂ. મહંત સ્વામી મહારાજ સાથેની મેયર ખાનની વ્યક્તિગત મુલાકાત હતી. જેમાં તેમણે ફળદાયી ચર્ચાઓ કરી હતી.

સાંજની સભાને સંબોધતા મેયર ખાને કહ્યું હતું કે “હું અહીં પ. પૂ. મહંત સ્વામી મહારાજ પ્રતિ મારો આદર બતાવવા આવ્યો છું સાથે આપણા મહાન દેશની રાજધાની માટે તેમના આશીર્વાદ માંગવા પણ આવ્યો છું. હું તેમને અગાઉ મળ્યો ત્યારે નીસડન મંદિર અને મંડળે શહેરને આપેલા મોટા યોગદાન માટે માહિતી આપી હતી. ચાહે તે બિઝનેસ હોય, જાહેર સેવા હોય કે ચેરિટી હોય. મેં પૂ. સ્વામીજીને સમજાવ્યું હતું કે તમે જે સારા કાર્યો કરો છો તે હિંદુઓ, મુસ્લિમો, શીખો, યહૂદીઓ, ખ્રિસ્તીઓ, બૌદ્ધો સહિત દરેકને અનુભવાય છે.’’

ખાને કહ્યું હતું કે “કૃપા કરીને પ. પૂ. મહંત સ્વામી મહારાજના ઉપદેશો સાથે ઉદાહરણ બનવાનું અને પ્રેરણાના સ્ત્રોત બનવાનું ચાલુ રાખો. કોવિડ-19 રોગચાળાને કારણે આપણી પાસે બે કે ત્રણ વર્ષ ભયાનક રહ્યા છે અને તે અંધકારમય સમયમાં તમે અને તમારો સમુદાય પ્રકાશરૂપ હતો. મને અને મારા પરિવારને, તમને સૌને અને તમારા પરિવારને, આપણા શહેરને, આપણા દેશને પ. પૂ. મહંત સ્વામીના ઉપદેશો અને આશીર્વાદની જરૂર છે.  હું અહીં પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ માંગવા આવ્યો છું. હું આશા રાખું છું કે તેઓ ફરીથી જલ્દીથી આવશે.”

મંદિરના ટ્રસ્ટી ડૉ. મયંક શાહે કહ્યું હતું કે “અમે મેયરનો અમારા મંદિરની મુલાકાત, તેમના ઉદાર શબ્દો અને પ. પૂ. મહંત સ્વામી મહારાજ સાથેના તેમના સમૃદ્ધ આદાનપ્રદાન બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.”

LEAVE A REPLY

eight − 3 =