શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) દ્વારા અત્યાધુનિક સ્પોર્ટ્સ અને કોમ્યુનિટી સેન્ટર – ઇન્ડિયા ગાર્ડન્સના મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન ખાતમુહુર્ત સમારોહનું શાનદાર આયોજન બુધવાર તા. 17 મે 2023ના રોજ કરવામાં આવ્યું હતું. વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ UB5 6RE ખાતે £20 મિલિયનનો આ પ્રોજેક્ટ બ્રિટનમાં વસતા વિવિધ ભારતીય સમુદાયોના ટોચનો પ્રોજેક્ટ બની રહેશે.

સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતો પૈકી એખઝકી પુરાણી મહાપુરુષદાસજી સ્વામી, વિદ્વત લેખક ડો. સત્યપ્રસાદદાસજી સ્વામીએ પૂજન-આરતીમાં ભાગ લીધો હતો તથા ભુજ મંદિરના સંતોના હસ્તે દાતાઓ દ્વારા પૂજીત શિલાઓ ભૂમિને અર્પણ થઇ હતી. શિલાન્યાસના મુખ્ય યજમાન જયસામ કંપનીના ચેરમેન સામજીભાઇ શિવજી દબાસિયાએ પૂજન કર્યું હતું. સ્વામી મહાપુરુષદાસજી પુરાણીએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે આ કાર્યથી કચ્છીઓનું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે, તેથી તમામ લેવા પટેલોએ ખભેખભા મિલાવીને કાર્ય પૂર્ણ કરવાનું છે.

ભુજથી પધારેલા લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ માવજીભાઇ ગોરસિયાએ કહ્યું હતું કે, ‘’ઇન્ડિયા ગાર્ડન ભારત-બ્રિટન વચ્ચે કચ્છીઓને જોડતો બ્રિજ છે. જે રીતે યુ.કે.ના ભાઇઓ માદરે વતન કચ્છમાં સેવા કરે છે તે રીતે સાથ-સહકાર આપી ફંડ એકત્ર કરશે તો સારામાં સારું

સંકુલ તૈયાર થશે.’’ તેમણે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી, વરિષ્ઠ દાતા હસમુખભાઇ ભુડિયા દ્વારા અપાયેલ શુભેચ્છા, આશીર્વાદ અને સખાવત માટે આભાર પ્રગટ કર્યો હતો.

પ્રોજેક્ટના મોટા દાતાઓ પૈકી દેવશીભાઇ ભુડિયા, પંકજ ગોરસિયા, જીતુભાઇ હાલાઇ, સામજીભાઇ દબાસિયા, મિતેષભાઇ વેકરિયા, સુરેશભાઇ રાબડિયા, જયેશભાઇ હીરાણી, સ્ટેફિક્ષ, પ્રાઇમ ગ્લેઝીંગ, ક્રીસ્ટલ યુનિટ્સ, જયસામ, વાસ્ક્રોફટ, એમ.પી. બ્રધર્સ, એવરગ્લેડ સહિતના અગ્રણીઓ પૂજન માટે યજમાન તરીકે જોડાયા હતા.

શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય દિનેશ શુકલા અને જીતુ મહારાજે સરળ શૈલીમાં કરાવી હતી. આ પૂજનવિધિમાં યુ.કે.ના તમામ સ્વામિનારાયણ મંદિરોના અગ્રણીઓએ જોડાઇને એકતા, સંપ, સંગઠનની પ્રેરણા પૂરી પાડી હતી.

યુ.કે. સમાજના પ્રમુખ વેલજીભાઇ વેકરિયા, ટ્રસ્ટી વિનોદભાઇ હાલાઇ, દાતા લક્ષ્મણભાઇ (બર્નટોક), ધીરજભાઇ, કલ્યાણભાઇ રવજી મેઘજી વેકરિયા સહિતના અનેક સમર્પિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છથી ગોપાલભાઇ ગોરસિયા ઉપરાંત ઉપાધ્યક્ષ કેસરાભાઇ પિંડોરિયા, સહમંત્રી વસંત પટેલ, હંસાબેન હરશિયાણી, કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ અધ્યક્ષ દેવેન્દ્રભાઇ માવજી વાઘજિયાણી ખાસ હાજર રહ્યા હતા. તો સ્થાનિક અગ્રણીઓ કૃપેશભાઇ હીરાણી, ભારતીય હાઇ કમિશનના દીપક ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના ભાગરૂપે તા. 29 મે ના રોજ લંડન ખાતે યુ.કે.ના લેવા પટેલોનું જાહેર અધિવેશન યોજાશે.

SKLPC (UK) ના પ્રમુખ માવજી ધનજી જાદવા વેકરિયાએ જણાવ્યું હતું કે, “ઇન્ડિયા ગાર્ડન્સ આપણા સમુદાયની વૃદ્ધિ અને આકાંક્ષાઓની પરાકાષ્ઠા દર્શાવે છે. અમે અમારા સભ્યોના સમર્થન અને સમર્પણ માટે અત્યંત આભારી છીએ, જેમની ઉદારતાથી આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. એકતાના દીવાદાંડી સમાન ઈન્ડિયા ગાર્ડન્સ ખાતે રમતગમત, શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને આવરી લેવાશે. જેનો લાભ ફક્ત સભ્યોને જ નહીં પરંતુ વ્યાપક સમુદાયને પણ મળશે.”

SKLPC (UK) ના જનરલ સેક્રેટરી રવિ ધનજી વરસાણીએ જણાવ્યું હતું કે, “ઇન્ડિયા ગાર્ડન્સનો સમારોહ આપણા સમુદાયની સફરમાં એક નવા અધ્યાયનો સંકેત આપે છે. આ કેન્દ્ર ખરેખર આપણા સમુદાયના મૂલ્યો અને ભાવનાનું પ્રમાણપત્ર હશે.”

50 વર્ષ પહેલાં એક સ્વતંત્ર ચેરીટી સંસ્થા તરીકે સ્થપાયેલ SKLPC (UK) શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિ દ્વારા પોતાના 30,000થી વધુ સભ્યોના જીવનને સમૃદ્ધ બનાવવાનો હેતુ ધરાવે છે. આ સંકુલને રમતગમત, વૃદ્ધો માટે સામાજિક પ્રવૃત્તિઓ, કાફે, બેડમિન્ટન, ક્રિકેટ, વોલીબોલ અને

ફૂટબોલ જેવી રમતગમત માટે માટે ડિઝાઇન કરાયું છે. લંડન બરો ઓફ ઈલીંગના પ્લાનિંગ હેડે આ પ્રોજેક્ટ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

સંસ્થાની 40 વર્ષથી ચાલતી શનિવારની શાળામાં 400 થી વધુ વિદ્યાર્થીઓને ઇંગ્લિશ, ગણિત, નૃત્ય, સંગીત અને માતૃભાષા ગુજરાતી શિખવવામાં આવે છે.

 

LEAVE A REPLY

nine + 3 =