ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલાઓના જવાબમાં સુરક્ષા પગલાં અને એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે લંડનના મેયર સાદિક ખાને પૂજા સ્થાનો માટે સુરક્ષા વધારવાની ખાતરી આપી છે.

મેયરે કોઈપણ પ્રકારના ઇસ્લામોફોબિયા અથવા સેમિટીઝમ સામે મક્કમતાથી ઊભા રહેવા માટે અપીલ કરી છે.

ખાને કહ્યું હતું કે “ઇઝરાયેલ અને ગાઝા બંનેમાં નિર્દોષ જીવનની વેદના અને નુકસાન ખરેખર હૃદયદ્રાવક છે અને મારા વિચારો પ્રભાવિત તમામ લોકો સાથે છે. પરંતુ વિદેશમાં બનતી ઘટનાઓને લંડનમાં આપણી શેરીઓમાં ફેલાવવાની મંજૂરી આપી ન શકીએ. હું યહૂદી સમુદાય અને મુસ્લિમ સમુદાય બંનેને ખાતરી આપવા માંગુ છું કે અમે કોઈપણ ઇસ્લામોફોબિયા અથવા સેમિટિઝમ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાનો અભિગમ અપનાવીશું. હું પોલીસ અને સમુદાયના નેતાઓ સાથે નજીકથી કામ કરૂ છું. જેથી આપણા સમુદાયો સલામતી અનુભવે. અમારું શહેર તમામ પ્રકારની નફરત સામે એક છે.”

લંડનના સમુદાયો, સિટી હોલની રીસાયલન્સ ટીમ, મેયરની ઓફિસ ફોર પોલીસિંગ એન્ડ ક્રાઈમ (MOPAC) સાથે મેટ્રોપોલિટન પોલીસે આશ્વાસન આપવા અને દ્વેષપૂર્ણ કૃત્યોને રોકવા માટે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. લંડનના તમામ સિનાગોગની નિયમિત મુલાકાતો સાથે સંકળાયેલી વ્યાપક સુરક્ષા પહેલ પણ અમલમાં મૂકાઇ છે.

મેયરે કોમ્યુનિટી રેઝિલિયન્સ ચેમ્પિયન્સ પ્રોગ્રામ પણ રજૂ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય ધાર્મિક નેતાઓને વ્યવહારુ ટેકો પૂરો પાડવાનો અને તેમના સ્ટાફ, મુલાકાતીઓ અને સમુદાયો માટે તેમના ધાર્મિક સ્થાનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી જ્ઞાનથી સજ્જ કરવાનો છે. આ કાર્યક્રમમાં સુરક્ષા પ્રોટોકોલ, સલામતી પ્રથાઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ સ્ટ્રેટેજી જેવા મહત્વપૂર્ણ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. MOPAC ધાર્મિક સ્થાનો માટે અસંખ્ય સલામતી અને સુરક્ષા સેમિનાર અને વેબિનારોનું આયોજન કરે છે.

ખાનનો કોમ્યુનિટી રેઝિલિયન્સ ચેમ્પિયન્સ પ્રોગ્રામ મેયરના અગાઉના £200,000ના ફંડ સાથે કમ્યુનિટી રેઝિલિયન્સ ફંડ અંતર્ગત વિવિધ બરોને કટોકટીની સજ્જતામાં મદદ કરે છે.

LEAVE A REPLY

9 − seven =