ગયા અઠવાડિયે હાઇકોર્ટના જજોએ લંડનના સ્વચ્છ-એર ઝોનના યુલેઝ વિસ્તરણના ફેરફારોને કાયદેસર જાહેર કર્યા બાદ લંડનના મેયર સાદિક ખાને યુલેઝ વિસ્તરણ વિરોધને શાંત કરવા £2,000ની યુલેઝ સ્ક્રેપેજ સ્કીમ ગ્રાન્ટ ઓફર કરી છે.

આગામી વર્ષની મેયર અને સામાન્ય ચૂંટણીઓમાં ટોરીઝ અલ્ટ્રા-લો એમિશન ઝોન અથવા યુલેઝની અપ્રિયતાનો લાભ ઉઠાવશે તેવી ચિંતા વચ્ચે ખાને જણાવ્યું હતું કે ‘’લંડનમાં રહેતા અને યુલેઝ કમ્પ્લાયન્ટ ન હોય તેવી દરેક સ્ક્રેપ કરેલી વાન માટે £7,000નો દાવો કરી શકશે જ્યારે ચેરીટી સંસ્થાઓને મિનિબસ માટે £9,000 ની ચૂકવણી કરાશે. આ પગલું સ્ક્રેપેજ ફંડની કુલ કિંમત £160 મિલિયન સુધી વધારશે.

યુલેઝના વિસ્તરણને પગલે ઉભા થયેલા વિરોધને કારણે ગયા મહિને અક્સબ્રિજ અને સાઉથ રાઈસ્લિપની પેટાચૂંટણીમાં લેબરની સાંકડી હાર માટે સર કેર સ્ટાર્મરે ખાનને દોષી ઠેરવ્યા હતા. સ્ટાર્મરે ખાનને આ યોજનાને પ્રતિબિંબિત કરવા અને તેનાથી પ્રભાવિત લોકો માટે સરળ બનાવવા માટે શું કરી શકાય તેવી બાબતો જોવા વિનંતી કરી હતી.

29 ઓગસ્ટથી અમલમાં આવી રહેલી યુલેઝ વિસ્તરણ યોજનામાં જે કોઇ વાહન યુલેઝ ઉત્સર્જન ધોરણોને પૂર્ણ કરશે નહિં તેને ચલાવવા માટે £12.50નો દૈનિક ચાર્જ ચૂકવવો પડશે. જો કે લંડનમાં ચલાવાતી દસમાંથી નવ કાર યુલેઝ-સુસંગત છે અને તેમને ચાર્જ ચૂકવવો પડશે નહિં.

મેયરે સરકારને લંડનની બહારના અને વાહનોને સ્ક્રેપ કરવા માગતા લોકોને ટેકો આપવા હાકલ કરી હતી અને ઉદાર સ્ક્રેપેજ સ્કીમ માટે નાણાકીય સહાય ન આપવા બદલ યુકે સરકારને દોષી ઠેરવી હતી.

LEAVE A REPLY