વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021ના રોજ દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. (REUTERS/Adnan Abidi)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં જાહેરાત કરી હતી કે દેશની તમામ સૈનિક શાળાઓને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે. અત્યાર સુધી સૈનિક સ્કૂલોમાં માત્ર યુવકોને પ્રવેશ મળતો હતો. દેશના લશ્કરી દળોમાં કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલમાં પ્રવેશ લે છે.

વડાપ્રધાન દેશમાં વધુ સૈનિક સ્કૂલ ખોલવાની પણ જાહેરાત કરી હતી. દેશમાં આ વર્ષના માર્ચ સુધીમાં 33 સૈનિક સ્કૂલો કાર્યરત હતી. સૈનિક સ્કૂલનું સંચાલન સૈનિક સ્કૂલ્સ સોસાયટી કરી છે, જે સંરક્ષણ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

વડાપ્રધાને જણાવ્યું કે, ‘આજે હું દેશવાસીઓ સાથે એક ખુશી વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓનો મેસેજ મળતો હતો કે, તેઓ પણ સૈનિક શાળામાં ભણવા ઈચ્છે છે. તેમના માટે પણ સૈનિક શાળાઓના દરવાજા ખોલવામાં આવે. 2-2.5 વર્ષ પહેલા પહેલી વખત મિઝોરમની એક સૈનિક શાળામાં દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.’
વડાપ્રધાને જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ ગરીબી વિરૂદ્ધ લડવા માટે બનાવવામાં આવી છે. ભાષાના કારણે ટેલેન્ટ પાંજરામાં પુરાયેલી હતી. આજે દેશ પાસે 21મી સદીની જરૂરિયાતો પૂરી કરનારી નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ પણ છે. જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણીને પ્રોફેશનલ્સ બનશે ત્યારે તેમના સામર્થ્ય સાથે ન્યાય થશે. હું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગરીબી સામેની લડાઈનું સાધન માનું છું.