ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021ના રોજ નવી દિલ્હીમાં 75માં સ્વતંત્રતા દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું. (PTI Photo/ Shahbaz Khan)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021ના રોજ દેશના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરીને રૂા.100 લાખ કરોડની ગતિશક્તિ નામની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેની મહત્ત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ઉદ્યોગોમાં રોજગારી અને ઉત્પાદકતાને વેગ આપવાનો છે. તે દેશની પાયાની માળખાગત સુવિધાનો નવો આધાર બનશે. તેનાથી મુસાફરી માટેના સમયમાં ઘટાડો થશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે માળખાગત સુવિધાના નિર્માણ માટે સંકલિત અને સર્વગ્રાહી અભિગમની જરૂર છે. નજીકના ભવિષ્યમાં ભારતમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ પ્લાન અમલી બનશે. રૂા.100 લાખ કરોડની સ્કીમથી લાખ્ખો યુવાનો માટે રોજગારીની નવી તક ઊભી થશે. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હશે, જે દેશમાં એકંદર માળખાગત સુવિધાનો પાયો બનશે.