પત્ની અંજુ અસોક (ઉ.વ. 35), અને બાળકો જીવા સાજુ, (ઉ.વ. 6) અને જાનવી સાજુ, (ઉ.વ. 4)ની હત્યા કરવા બદલ દોષિત ઠરેલા કેરળના 52 વર્ષીય સાજુ ચેલાવલેલને કોર્ટે ઓછામાં ઓછી 40 વર્ષની જેલની સજા ફટકારી છે. સોમવારે ઇસ્ટ ઈંગ્લેન્ડમાં નોર્થમ્પટન ક્રાઉન કોર્ટમાં હાજર થયેલા સાજુએ હત્યાઓ કરી હોવાનું સ્વીકાર્યું હતું.

જસ્ટિસ એડવર્ડ પેપેરેલે અંજુના મૃત્યુ સમયે લીધેલા ઓડિયો રેકોર્ડિંગનો ઉલ્લેખ કર્યો હતો જેમાં બન્ને બાળકો તેમની મમ્મી માટે બેકગ્રાઉન્ડમાં રડતા સાંભળી શકાતા હતા.

15 ડિસેમ્બર, 2022ના રોજ, નોર્થમ્પટનના કેટરિંગમાં ભારતીય પરિવારના ઘરે ઇમરજન્સી સેવાઓને બોલાવાતા અંજુ અને બે બાળકો ગંભીર ઈજાઓ સાથે મળી આવ્યા હતા. પોલીસે દરવાજો તોડી પ્રવેશ કરતા સાજુ છરી પકડીને ઉભો હતો. છરી નીચે મૂકવા માટે તેને વારંવાર વિનંતી કરાયા છતાં તેણે “તમે મને ગોળી મારી દો” એવી બૂમો પાડતા તેને ટેઝર ગન વડે કરંટ આપી પકડી લેવાયો હતો.

અંજુને ઘટનાસ્થળે અને બંને બાળકોને થોડા સમય બાદ મૃત જાહેર કરાયા હતા. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ત્રણેયના મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયા હોવનું જણાયું હતું.

અંજુ અશોક બેવફા હોવાના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા મળ્યા નહતા. જોકે, સાજુ ચેલાવલેલના ફોનની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જ્યારે અંજુ નર્સ તરીકે નોકરી પર જતી હતી ત્યારે સાજુ અન્ય મહિલાઓ માટે ડેટિંગ વેબસાઇટ્સ શોધતો હતો.

કેટરિંગ પાર્ક ઇન્ફન્ટ એકેડેમીના હેડ ટીચર સારાહ પોવેલે કોર્ટને જણાવ્યું હતું કે બંને બાળકો જીવા અને જાનવી શાળાના મૂલ્યવાન સભ્યો હતા. તે બંનેની યાદગીરી તરીકે રમતના મેદાનમાં બે રંગીન બેન્ચ રખાઇ છે અને એક આલ્બમ પણ બનાવ્યું છે.”

LEAVE A REPLY

three × four =