FILE PHOTO: REUTERS/Leonhard Foeger/File Photo

યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે પશ્ચિમી દેશોએ લાદેતા પ્રતિબંધને પગલે રશિયાની સૌથી મોટી બેન્ક સ્બેરબેન્કે યુરોપિયન માર્કેટમાંથી એક્ઝિટ લેવી પડી છે. બેન્કે અસાધારણ કેશ આઉટફ્લો તથા તેના કર્મચારીઓ અને બ્રાન્ચ સામેના જોખમનું કારણ આપીને આ જાહેરાત કરી હતી.

રશિયન ન્યૂઝ એજન્સીએ બેન્કના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં સ્બેરબેન્કે યુરોપના બજારમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે.બેન્કની યુરોપ ખાતેની પેટાકંપનીઓમાંથી અસાધારણ કેશ આઉટફ્લો જોવા મળી રહ્યો છે. તેના કર્મચારીઓ અને બ્રાન્ચની સુરક્ષા સામે પણ જોખમ છે.

રશિયાની બેન્કો માટે મૂડીબજારમાંથી નાણા મેળવવાનું મુશ્કેલ બનાવવાના ઉદ્દેશ સાથે યુરોપિયન યુનિયને આકરા નિયંત્રણો લાદ્યા હોવાથી બેન્ક નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે.

યુરોપિયન બેન્કિંગ રેગ્યુલેટર્સે મંગળવારે જણાવ્યું હતું કે રશિયાની સ્બેરબેન્કની યુરોપની પેટાકંપની પોતાનો બિઝનેસ સમેટી લેશે. બેન્કના ઓસ્ટ્રિયા ખાતેના યુરોપિયન એકમ સ્બેરબેન્ક યુરોપને નાદારીની સામાન્ય કાર્યવાહીની મંજૂરી આપવામાં આવશે, જ્યારે ક્રોએશિયા અને સ્વોવેનિયા ખાતેની બ્રાન્ચ બીજી બેન્કોને વેચવામાં આવશે.
યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ યુરોપિયન બિઝનેસ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ આ નિર્ણય અનિવાર્ય બન્યો હતો.

બેન્કે જણાવ્યું હતું કે રશિયાની સેન્ટ્રલ બેન્કના આદેશને પગલે તે યુરોપની પેટાકંપનીઓને લિક્વિડિટી સપ્લાય કરવાની સ્થિતિમાં નથી. રશિયાની સેન્ટ્રલ બેન્કે ફોરેન્સ કરન્સી જાળવી રાખવાનો આદેશ આપેલો છે. જોકે બેન્કે તમામ ડિપોઝિટને ચુકવણી કરવા પૂરતું ભંડોળ હોવાની જાહેરાત કરી હતી.

સ્બેરબેન્કની યુરોપિયન એસેટ 31 ડિસેમ્બર 2020ના રોજ આશરે 13 બિલિયન યુરો (14.4 બિલિયન ડોલર) હતી. તે ઓસ્ટ્રિયા, ક્રોએશિયા, જર્મની અને હંગેરી સહિતના દેશોમાં બિઝનેસ કરતી હતી. 2021માં સ્બેરબેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 64 ટકા ઉછળીને 1.25 ટ્રિલિયન રૂબલ (12.38 બિલિયન ડોલર) થયો હતો.